• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ક્ષત્રિયો મોટું મન રાખીને રૂપાલાને માફ કરે : પાટીલ

ભાજપ કયાંય ઉમેદવાર બદલશે નહીં: પક્ષનો નિર્ણય, પાટીલની સ્પષ્ટતા

ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠકમાં રૂપાલાનાં નિવેદનને લઈને ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખે બે હાથ જોડીને માગી માફી

અમદાવાદ, રાજકોટ, તા.2 : લોકસભાની ચૂંટણી પૂર્વે જ ગુજરાતનું રાજકારણ ખૂબ જ ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટની બેઠકના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિષે કરાયેલી ટિપ્પણી બાદ રોષ શમવાનું નામ લઈ રહ્યો નથી, આ આગને ઠારવા માટે રૂપાલાએ એકથી વધુ વખત માફી માગવા છતાં પરિસ્થિતિ થાળે ન પડતાં હવે ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને મેદાનમાં આવું પડયું છે.

ગાંધીનગરમાં સી. આર. પાટીલનાં નિવાસસ્થાને મળેલી ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં પાટીલે બે હાથ જોડીને રૂપાલાનાં નિવેદનને લઈને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતિ કરી છે. તેઓએ કહ્યું છે કે, હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોતમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. જો કે, પાટીલે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, રાજકોટ બેઠક ઉપર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી.

પાટીલે ઉમેર્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાનાં નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે તેઓ 3 વખત માફી માગી ચૂક્યા છે છતાં આ રોષ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે મારી ક્ષત્રિય સમાજને વિનંતી છે કે, ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને પુરુષોત્તમભાઈને માફ કરી દે. વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, આ મુદ્દે 92 સભ્યની સંકલન સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ હેઠળ આવતીકાલે 3 વાગ્યે એક બેઠક યોજવામાં આવશે. બેઠકમાં ક્ષત્રિય સમાજની વાત સાંભળવામાં આવશે. ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે તેઓ પોતાનો રોષ શાંત કરીને રૂપાલાને માફ કરી દે.

 

ઉલ્લેખનીય છે કે, બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવ સિંહ ઝાલા, મહેન્દ્રસિંહ, આઈ કે જાડેજા, બળવંતસિંહ, જયરાજસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો આક્રોશ કેવી રીતે શાંત પાડવો તે મુદ્દે ચર્ચા-વિચારણા થઈ હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક