• બુધવાર, 01 મે, 2024

રામનવમીએ સૂર્યવંશીને સૂર્યતિલક

પાંચ મિનિટ સૂર્યતિલક સાથે રામલલાના દર્શન થયા:  રામનવમીએ મંદિરને થયો વિશેષ શ્રૃંગાર

અયોધ્યા, તા. 17 : અયોધ્યામાં રામ નવમીએ રામલલાના સૂર્યતિલકનો અદભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પહેલી રામ નવમી આવી હતી. આ મોકે રામલલાની  (જુઓ પાનું 10)

વિશેષ પૂજાઅર્ચના કરવામાં આવી હતી. ઉપરથી દિવ્ય સૂર્યતિલકનું દૃશ્ય ખુબ જ મનમોહક બન્યું હતું. રામ નવમી ઉપર મંદિરને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક દર્પણ મારફતે સુર્યના કિરણો ભગવાન રામના મસ્તક ઉપર તિલક રૂપે પાડવામાં આવ્યા હતા. અંદાજીત પાંચ મિનિટ સુધી રામલલાના મસ્તક ઉપર સૂર્યતિલક જોવા મળ્યું હતું. પીએમ મોદીએ પણ આ નજારો નિહાળ્યો હતો. જેની તસવીર જારી થઈ છે. જેમાં મોદી ચપ્પલ પહેર્યા વિના છાતી ઉપર હાથ રાખીને રામલલાને નિહાળી રહ્યા છે. આ સાથે મોદીએ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પણ આપી હતી.

પીએમ મોદીએ રામલલાના સૂર્યતિલકને નિહાળતા સમયની બે તસવીરો જારી કરી હતી. તેમણે લખ્યું હતું કે નલબાડીની સભા બાદ અયોધ્યામાં રામલલાના સુર્ય તિલકના અદ્ભુત અને અપ્રતિમ ક્ષણને જોવાનું સૌભાગ્ય મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે પરમાનંદની ક્ષણ હતી. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઊર્જાથી પ્રકાશિત કરશે. પીએમએ રામ નવમીની શુભકામના પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલી રામ નવમી છે જ્યારે અયોધ્યાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થઈ ચૂક્યા છે.

રામનવમીના ઉત્સવમાં આયોધ્યા એક અપ્રતિમ આનંદમાં છે. 500 વર્ષથી પ્રતિક્ષા બાદ રામનવમી અયોધ્યામાં ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે. જે દેશવાસીઓની કઠિન તપસ્યા, ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. મોદીએ આગળ કહ્યું હતું કે, પ્રભુ શ્રીરામ ભારતીય જનમાનસના દરેક રુંવાડામાં વસેલા છે. અંતર્મનમાં સમાહિત છે. ભવ્ય રામ મંદિરની પ્રથમ રામનવમીનો અવસર અસંખ્ય રામ ભક્તો, સંત મહાત્માનું સ્મરણ અને નમન કરવાનો અવસર પણ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક