• ગુરુવાર, 02 મે, 2024

નવસારીમાં પાટીલની રેલી યોજાઈ મુહૂર્ત ચૂકી જતાં આજે ફોર્મ ભરશે રેલીમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો જોડાયાં

સુરત, તા. 18: રામનવમીની જાહેર રજા બાદ આજે ફરી રાજ્યની બાકી રહેલી લોકસભા બેઠકના ચૂંટણી ભરવાનું કાર્ય શરૂ થયું હતું. વિધિવત આજે નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ફોર્મ ભરવાના હતા. પરંતુ ભવ્ય રેલીના કારણે 12.39 કલાકનું વિજયમૂહૂર્ત ચૂકાતા સી. આર. પાટીલ આવતીકાલે ફોર્મ ભરશે. નવસારી લોકસભાના  બેઠકના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર સી. આર. પાટીલે પોતાની માતાના આશીર્વાદ લીધા બાદ ફોર્મ ભરવા નવસારીમાં આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત કરી હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં સી.આર.પાટીલ, રાજયના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, રાજયના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં આવેલા કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મોટી સખ્યામાં મહિલાઓ સહિતના આગેવાનો પણ વિશાળ રેલીમાં જોડાયા હતા. 

સી. આર. પાટીલની ઉમેદવારી પત્ર ભરવાની રેલીના કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓ રેલીમાં ગરબે પણ ઘૂમ્યા હતા. ગુજરાતી ગાયક ગીતા રબારી, જીતુદાન ગઢવીએ ગીતો લલકાર્યા હતા. રેલીમાં મેહુ મોદીકા પરિવારનું ગીત ખૂબ જ ગાજયું હતું. રેલીમાં કાંકરીચાળો ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હજારો કાર્યકરોની મેદની વચ્ચે સી. આર. પાટીલને ભારે જનસમર્થન મળતા રેલી મોડી પડી હતી. સી.આર. પાટીલ સહિત મુખ્ય પ્રધાને રેલીમાં ઉપસ્થિત જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.  વિશાળ રેલીમાં 12.39 કલાકનું વિજયમુહૂર્તનો સમય ચુકાઈ જતાં સી. આર. પાટીલ આજે ફોર્મ ભરી શકયા ન હતા. જેથી આવતીકાલે શુક્રવારના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી પત્રક ભરી પોતાની દાવેદારી નોંધાવશે. રેલી પૂર્ણ થયા બાદ સી.આર. પાટીલે આવતી કાલે પત્રક ભરવાની જાહેરાત કરી હતી.  

 

ઇ-પેપરના નવા શુલ્ક