• સોમવાર, 27 મે, 2024

મતદારોની લાચાર ‘સૂરત’!

ગુજરાતમાં ઇતિહાસ રચાયો: સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થતાં મતદારો નહિં ભોગવી શકે મતાધિકાર

 

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં તેમજ અન્ય પાર્ટીઓએ ફોર્મ પરત ખેંચી લેતાં સુરત બેઠક સાથે ભાજપે લોકસભામાં ખાતુ ખોલાવ્યું

 

સુરત, તા. 22 (ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાત લોકસભા ચૂંટણીની સુરત બેઠક ઉપર એક નવો જ ઈતિહાસ સર્જાયો છે. કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીની એક ભૂલનાં કારણે પાર્ટીને આ સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પક્ષનું ફોર્મ રદ થતાં અને અન્ય વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારેએ પણ પોતાનાં ફોર્મ પરત ખેંચી લેતા મતદાન પૂર્વે જ આ બેઠક ભાજપનાં ખાતામાં આવી ગઈ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સુરત લોકસભા બેઠકના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બનવા પામી છે.

સુરત બેઠકને ભાજપનો અભેદ કિલ્લો માનવામાં આવે છે. ગત શનિવારથી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ મામલે શરૂ થયેલો હાઇવોલ્ટેજ ડ્રામા ગઈકાલે બપોરે એક કલાકે તેમનું ફોર્મ અમાન્ય થતાની સાથે પૂરો થયો હતો. ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવાર બન્નેનું ફોર્મ રદ થયા બાદ બાકી અન્ય સાત ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે તેવી સંભાવના આજે યથાર્થ ઠરી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. જાહેરાત થતાંની સાથે ઉમેદવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને મળી મુલાકાત કરી હતી. 

ગઈકાલે નિલેશ કુંભાણીની વિકેટ પડયા બાદ આજે સવારથી જ એકથી પછી એક ઉમેદવારોએ પોતાનાં ફોર્મ પરત ખેંચી લીધાં હતાં. અંતે એક ઉમેદવાર બીએસપીના પ્યારેલાલ ભારતીને લઈને થોડી ગૂંચ થઈ હતી. 58 વર્ષીય પ્યારેલાલે પોલીસ રક્ષણ પણ માગ્યું હતું જો કે, બાદમાં તેઓએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. 

ચૂંટણી અધિકારી પારઘીએ મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરી વિજેતા સર્ટીફિકેટ આપ્યું હતું. પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત શનિવારે બપોરથી થઈ હતી જ્યારે સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી. 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્રએ રદ કરાઈ હતી. કુંભાણીની ઉમેદવારીની રદ થાય બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઊઠી હતી.

સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયાં હતાં. ગઈકાલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય બાદ આઠ ઉમેદવાર મેદાને રહ્યા હતા. જેમાંથી સાત ઉમેદવારોએ તેમનાં નામ પાછા ખેંચી લીધાં હતાં. અપક્ષના બારૈયા રમેશભાઈ, બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી, અપક્ષના ઉમટ અજીતાસિંહ, અપક્ષના ભરતભાઈ પ્રજાપતિ, ગ્લોબલ રીપબ્લિકન પાર્ટીના જયેશ મેવાડ, લોગ પાર્ટીના સોહલ સલીમ શેખ, અપક્ષના કિશોરભાઈ ડાયાણીનો સમાવેશ થાય છે.

 

‘ઓપરેશન સુરત’ પછી નવરા પડેલા ભાજપના કાર્યકરો બીજે પ્રચારમાં જશે

સુરત લોકસભા બેઠક જીતેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના પ્રચાર કાર્યમાંથી નવરા પડેલા ભાજપના કાર્યકારોને હવે પ્રચાર અર્થે બીજે મોકલવામાં આવે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મતદાન અર્થે અગાઉથી જ બહારગામ જવાનો ધસારો વધ્યો છે. એવામાં હવે જ્યારે સુરતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું નથી ત્યારે નવરા પડેલા તમામ રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓને પોતાના માદરે વતન કે ચોક્કસ જગ્યાએ પ્રચાર માટે મોકલવામાં આવે તેવો ઘાટ ઘડાયો છે.  ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તેના જોશીલા કાર્યકર્તાઓ અને નેતાઓને રાજ્યભરમાં જ્યાં જરૂર છે ત્યાં પ્રચાર માટે મોકલે તેવી સંભાવના છે. સુરતમાં સૌરાષ્ટ્રીયન લોકોની સંખ્યા પણ વધુ છે. સૌરાષ્ટ્રની ચોક્કસ બેઠકમાં વધુ પ્રચાર કરવા સૌરાષ્ટ્રીયન કાર્યકર્તાઓને મોકલવામાં આવે તેવી સંભાવના છે.

 

ગુજરાતમાં પહેલીવાર કોઈ  લોકસભા બેઠક બિનહરીફ

 

નવી દિલ્હી, તા.22: ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા સુરત બેઠક પર ભાજપે ઈતિહાસ સર્જ્યો છે. આ બેઠક પરથી કુલ આઠ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અત્યાર સુધી લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતની સુરત બેઠકના મુકેશ દલાલ સહિત કુલ 29 સાંસદ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાં કોંગ્રેસના 20 સાંસદોનો પણ સમાવેશ થાય છે.

દેશમાં વર્ષ 1951-52 લોકસભા ચૂંટણીની શરૂઆત થયા બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના 20 સાંસદો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ત્યાર બાદ નેશનલ કોન્ફરન્સ અને સમાજવાદી પાર્ટીના બે-બે સાંસદો બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે ભાજપના કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોય તેવું 2024ની ચૂંટણીમાં પહેલીવાર બન્યું છે. વિધાનસભા ચૂંટણીની ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધીમાં 298 ધારાસભ્ય બિનહરીફ ચૂંટાયા આવ્યા છે, જેમાં સૌથી વધુ નાગાલેન્ડના 77 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરના 63 ધારાસભ્યો, અરુણાચલ પ્રદેશમાંથી 40, આંધ્રપ્રદેશમાંથી 34, આસામમાંથી 18 ધારાસભ્યો, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છ-છ ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીઓમાં વર્ષ 1962માં સૌથી વધુ 47 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. ત્યારબાદ 1998માં 45 ધારાસભ્યો અને 1967 અને 1972માં 33-33 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તાજેતરમાં જ અરૂણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ સહિત 10 ભાજપ ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

દેશના વિવિધ રાજ્યો અને કેદ્ર શાસિત પ્રદેશોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં કયા પક્ષના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા? તે અંગે વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ કોંગ્રેસના 195 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બીજા નંબરે નેશનલ કોન્ફરન્સનું નામ આવે છે, તેના અત્યાર સુધીમાં કુલ 34 ધારાસભ્ય બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે ઇઉંઙ ના અત્યાર સુધીમાં 15 અને 29 અપક્ષ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવેલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક