હરાજી 13 દિવસ મોડી પડશે, પાક ઓછો રહેતા ભાવ ઊંચા રહેવા સંભવ
તાલાલા, તા. 22(ફૂલછાબ ન્યૂઝ) : સોરઠની વિશ્વવિખ્યાત કેસર કેરીના પીઠાં ગણાતા તાલાલા માર્કેટ યાર્ડમાં નવી સીઝનની હરાજીનું મુહૂર્ત નીકળ્યું છે. પંથકના કિસાનો ઘરઆંગણે જ વેચાણ કરી શકે તે માટે 1 મે બુધવારના દિવસથી હરાજીનો આરંભ કરવામાં આવશે. આમ સૌરાષ્ટ્રમાં ખરી રીતે કેસર કેરીના શ્રીગણેશ થશે.
તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી, જેમાં આગામી સીઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવાં નિર્ણયો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે તા.18મી એપ્રિલથી કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો હતો. તેનાં બદલે આ વર્ષે 13 દિવસ મોડી હરાજી શરૂ થશે.
માર્કાટિંગ યાર્ડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે કેસર કેરીની સિઝન 63 દિવસ ચાલી હતી. આ દરમિયાન દશ કિલો ગ્રામના 11 લાખ 13 હજાર 540 બોક્સની આવક થઈ હતી. તાલાલા પંથકમાં આ વર્ષે ઠંડી ઓછી પડવાને કારણે સંખ્યાબંધ બગીચાઓમાં બંધારણ થયું નહીં. ત્યારબાદ તૈયાર થયેલ પાકમાં મોટાપ્રમાણમાં કોરામણ આવતા તૈયાર પાક આંબા ઉપરથી મોટા જથ્થામાં ખરી પડયો હતો તેમજ કેરીના પાકને અનુકૂળ વાતાવરણ મળ્યું નહીં જેને કારણે 50 ટકા પાક ઓછો થવાની ધારણા છે.
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે દશ કિલો ગ્રામના એક કેરીના બોક્સનો સરેરાશ ભાવ રૂ. 425 રહ્યો હતો. ઉત્પાદક કિસાનોને રૂ.47 કરોડથી પણ વધુ આવક થઈ હતી. આ વર્ષે ઓછા પાકને કારણે કેરીના ભાવ ઊંચા રહેવાની ધારણા છે.
ખેડૂતો, કેરીના જથ્થાબંધ વેપારીઓ-કમિશન એજન્ટોને કોઈ મુશ્કેલી પડે નહીં માટે જરૂરી તમામ સવલતો ઉભી કરવામાં આવી છે, તેમ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજય શિંગાળા તથા સેક્રેટરી રમેશ ડાંડે જણાવ્યું છે.
જૂનાગઢ યાર્ડમાં કેરીની
આવકમાં વધારો
જૂનાગઢ, તા.22 (ફૂલછાબ ન્યૂઝ): જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક દિવસે દિવસે વધવા લાગી છે. સોમવારે યાર્ડમાં 4172 બોક્સની આવક થઈ હતી. યાર્ડમાં થયેલી હરાજીમાં 10 કિલોના બોક્સનો ભાવ રૂ. 2800 હતો. જોકે અત્યારે કેમિકલ વિના પાકી શકે એવી કેરી ન આવતી હોવા છતાં લોકો ખરીદી જાય છે. યાર્ડના ઇન્સ્પેક્ટર હરેશ ગજેરા કહે છે, કોડીનાર અને ઉના પંથકની કેરી આવે છે. જે પાંચ કિલોના પાકિંગમાં વધારે આવે છે. હવે આવક વધવા લાગશે પણ ઉત્પાદન ઓછું રહેતા ભાવ ઊંચા રહેશે.
તાલાલાની કેસર કેરી કેનેડા-યુ.કે.ની બજારમાં જશે
1200 બોક્સનું કન્સાઇન્મેન્ટ તાલાલાથી અમદાવાદ પહોંચી ગયું
તાલાલા, તા.22 (ફૂલછાબ ન્યૂઝ): તાલાલા પંથકની મધમીઠી ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે. માર્કેટિંગ યાર્ડ સંચાલિત એપીડા માન્ય પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ 12 નંગ ભરતીવાળા ત્રણ કિલો વજનના આકર્ષક બોક્સ પેકિંગમાં તૈયાર થયેલા કુલ 400 બોક્સ કેનેડા તથા 800 બોક્સ યુ.કે માટે તાલાલા ગીરથી અમદાવાદ જવા રવાના થયા છે. અમદાવાદથી બુધવારે એર કાર્ગો મારફત દેશના સિમાડા ઓળંગી વિદેશ પહોંચશે.
પેક હાઉસના સંચાલક દીપકભાઈ ચાંદેગરાએ આપેલી વિગત પ્રમાણે ખુશ્બુદાર કેસર કેરીનું ગ્રડિંગ, વોશિંગ, હોટ વોટર ટ્રીટમેન્ટ, રાયપનિંગ, સોર્ટિંગ, પેકિંગ, પ્રિ-કૂલિંગ, સ્ટફિંગ કરી વિદેશમાં મોકલવા માટે આકર્ષક બોક્સમાં તૈયાર કરવામાં આવી છે. 1200 બોક્સનો પ્રથમ જથ્થો રવાના થયો છે જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી લંડન-કેનેડા જવા રવાના થશે.
લંડનની બજારમાં એક બોક્સ 17 પાઉન્ડ એટલે કે ભારતની કરન્સી પ્રમાણે રૂ.1700માં વેંચાણ થશે જ્યારે કેનેડામાં 37 કેનેડિયન ડોલરમાં વેચાણ થશે જે ભારતની કરન્સી પ્રમાણે રૂ.2300 થાય છે. આગામી દિવસોમાં કેસર કેરીનો વધુ જથ્થો વિદેશમાં જવા રવાના થશે.