• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

હિન્ડનબર્ગનું ભૂત ફરી ધૂણે છે

અમેરિકાની શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટમાં સેબી અધ્યક્ષ માધવી બૂચ અને તેમના પતિ ધવલ બૂચ પર મૂકવામાં આવેલા ગંભીર આક્ષેપોને બૂચ દંપતીએ સેબીની શાખને નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર ગણાવ્યું છે. અદાણી સમૂહે આ આક્ષેપોને આધારહીન જણાવ્યા છે. હિન્ડનબર્ગના તાજા રિપોર્ટમાં કહેવાયું છે કે અદાણી સમૂહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સેબીએ રુચિ નથી દાખવી. તેનું કારણ માધવી બૂચ અને તેમના પતિની અદાણી સમૂહથી જોડાયેલા વિદેશી હોલ્ડિંગમાં ભાગીદારી હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીમાં હિન્ડનબર્ગએ પોતાના રિપોર્ટમાં અદાણી સમૂહ પર ખાતામાં હેરાફેરી અને કંપનીમાં ગરબડ કરીને તથા શૅરોની કિંમત વધારી ચઢાવીને દેખાડવા જેવા સનસનાટીભર્યા આક્ષેપ કર્યા હતા. રિપોર્ટ જાહેર થતાં જ અદાણી સમૂહની કંપનીઓના માર્કેટ વૅલ્યુમાં ભારે ઘટાડો થયો હતો અને વિપક્ષને પણ સરકાર પર આક્ષેપ કરવાની તક મળી હતી, જોશ મળ્યું હતું! સરકારના સંરક્ષણમાં અદાણી સમૂહની ભારે પ્રગતિ થઈ રહી છે. એવા આક્ષેપ થયા. હિન્ડનબર્ગ એક શોર્ટ શેલર છે, જેના વિશે કહેવામાં આવ્યું હતું કે અદાણીની શાખને આંચકો પહોંચાડતો રિપોર્ટ તેની પાછળ ‘કાવતરું’ હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત નિષ્ણાતની સમિતિને આ પ્રકરણમાં કોઈપણ પ્રકારની અનિયમિતતાના પુરાવાઓ મળ્યા નહીં. ધ્યાન ખેંચનારી બાબત એ છે કે હિન્ડનબર્ગ કોઈ મીડિયા સમૂહ નથી અને સાર્વજનિક હિત ઉદ્દેશ્યથી સ્થાપવામાં આવેલું એકમ પણ નથી! બ્લૂમબર્ગનો એક રિપોર્ટ જણાવે છે કે, હિન્ડનબર્ગએ 2020 પછી 30 કંપનીઓના રિસર્ચ રિપોર્ટ બહાર પાડયા છે અને રિપોર્ટ બહાર આવવાના બીજા દિવસે જ એ કંપનીઓના શૅર સરેરાશ  15 ટકા સુધી તૂટી ગયા છે. સ્પષ્ટ છે કે શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગએ આ વેળા એક કંપનીના બદલે સીધા ‘સેબી’ પર સવાલ ઊભા કર્યા છે.

ભારતીય કંપની અને નિયામકોને લઈ હિન્ડનબર્ગનો રિપોર્ટ પૂર્વગ્રહથી ગ્રસિત રહ્યો છે એ સાબિત થઈ ચૂક્યું છે. હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટનું અદાણી ગ્રુપે પણ ખંડન કરતા કહ્યું છે કે, હિન્ડનબર્ગએ પોતાના ફાયદા માટે સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીનો ખોટો ઉપયોગ કર્યો છે. ઊંડી તપાસ પછી સુપ્રીમ કોર્ટએ જાન્યુઆરી 2024માં હિન્ડનબર્ગના આક્ષેપો ફગાવી દીધા છે. આ વેળા પણ સેબી અધ્યક્ષ પર થયેલા આક્ષેપથી વિપક્ષની રાજનીતિએ વેગ પકડયો છે. વિપક્ષએ જોવું જોઈએ કે એક અમેરિકન ફર્મનો મકસદ શું છે? ભારત શા માટે નિશાન પર છે.

ભારતના પાડોશી દેશોમાં અસ્થિરતા અને અરાજકતા ઊભી કરવા સાથે અર્થતંત્રને અસ્થિર બનાવવાના આ કાવતરામાં ભારતના જ વિપક્ષી નેતાઓનો ‘હાથ’ છે પણ દેશના દુશ્મનો હિતશત્રુઓના હાથ હેઠા પડશે જ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક