• બુધવાર, 04 માર્ચ, 2026

હવે આર્થિક ખુવારીના એંધાણ

ઈઝરાયલ-ઈરાન વચ્ચે શરૂ થયેલા અમેરિકા પ્રાયોજીત યુદ્ધનો ચોથો દિવસ પણ અતિ વિકરાળ રહ્યો છે. આંકડા અત્યંત ડરાવનારા છે. ચાર દિવસમાં 800 જેટલા માણસોના મૃત્યુ થયા છે. 153 શહેરો ભીષણ હુમલાનો ભોગ બન્યા છે. આ ખુવારી તો કેટલી આગળ વધશે? તે કહી શકાય તેમ નથી પરંતુ સૌરાષ્ટ્ર સહિત આખા દેશમાં આ યુદ્ધની વ્યાપક વિપરિત અસર થવાની સંભાવના છે. ઈરાન સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન વાત કરશે તેવા અહેવાલો વચ્ચે પણ યુદ્ધ અટકવાની કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. વાતાવરણ દિવસે ને દિવસે ગંભીર બનતું જાય છે.

કમકમાટી છુટી જાય તેવા અહેવાલ સતત આવી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓના પણ અંતિમ સંસ્કાર ઈરાનમાં થઈ રહ્યા છે. બીજી તરફ ઈઝરાયલ હવે લેબેનોન ઉપર પણ ત્રાટક્યું છે. મીડલઇસ્ટનું આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું છે. અમેરિકાએ પણ પોતાના સૈનિકો ખોયાની કબૂલાત કરી છે અને કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત ભલે અમે કરી ન હોય પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તે અમેરિકા જ નક્કી કરશે. ધારણા એવી હતી કે, સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખોમેનીના મોત પછી ઈરાનનો જુસ્સો ઠંડો પડશે પરંતુ ઈરાન બમણી તાકાતથી પ્રતિકાર કરી રહ્યું છે. આરબ દેશો અને ત્યાં રહેલા અમેરિકન થાણા ઈરાનના નિશાન ઉપર છે. હીઝબુલ્લાહ સંગઠને ઈઝરાયલ પર કરેલા હુમલાના પરિણામે લેબેનોન ઉપર પ્રહાર થયા છે.

યુદ્ધની આ ભયાનકતા વચ્ચે આર્થિક ક્ષેત્રે નવો મોરચો ખુલ્યો છે. ક્રુડ અને કુદરતી ગેસના ભાવ વધ્યા છે. આરબ દેશો સાથે સીધો વેપાર અને પ્રવાસન કરાવતા ભારતીયો હવાઈ અને દરિયાઈ માર્ગો બંધ થતા ત્યાં અટવાયા છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન વધારે છે. 40% સામગ્રી ગુજરાતના બંદરોથી નિકાસ થાય છે. પેટ્રોલિયમ, એન્જિનિયરીંગ ગુડસ, ટેક્સટાઈલ, સિરામિક, આભૂષણો અને ફાર્મા ક્ષેત્રને માઠી અસર પડે તેવી પૂરતી સંભાવના છે. જો કે, હજી એક અઠવાડિયું આપણા વેપાર ઉદ્યોગો સ્થિતિ ખમી શકશે પરંતુ પછી સ્થિતિ ગંભીર થશે. ક્રુડ ઓઈલના વધતા ભાવની અસર સ્વાભાવિક રીતે કેમિકલના ઉત્પાદન ઉપર થશે. ટેક્સટાઈલમાં પણ મુશ્કેલી સર્જાઈ શકે. ખાડીના દેશોમાં બુરખા, સલવાર, કમીઝના કાપડ સુરતથી જાય છે જે દુબઈ મારફત 45 દેશમાં પહોંચે છે.

મોરબી સ્થિત સિરામિક ઉદ્યોગ પણ આ સ્થિતિની ગંભીર અસરથી બચી શકશે નહીં. યુદ્ધ જેટલું વહેલું સમાપ્ત થાય એટલું સારૂં તેવું માત્ર યુદ્ધગ્રસ્ત વિસ્તારના જ લોકો નહીં પરંતુ ગુજરાત જેવા અનેક વિસ્તારો પણ ઈચ્છી રહ્યા છે. વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ચિંતાનું મોજું છે.

ઇ-પેપરના નવા શુલ્ક