• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

‘સરિતા સાયુજ્ય’ની મહાયોજનાનો આરંભ

25મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન-બેતવા નદીને જોડવાના વિશિષ્ટ પ્રકલ્પનો શિલાન્યાસ કરીને દેશના વિકાસની એક નવી દિશા તરફ અંગૂલી નિર્દેશ કર્યો છે. પૂર્વોત્તરમાં સર્વાધિક લંબાઈનો ‘ભૂપેન હઝારિકા સેતુ’ કે આ વર્ષના આરંભે ઓખા-બેટ દ્વારકા વચ્ચે લોકાર્પિત થયેલા ‘સુદર્શન સેતુ’ બાદ હવે આ પરિયોજના વિકાસયાત્રાનો મહત્વનો પડાવ બની રહેશે.

કેન અને બેતવા નદીને જોડવાની પરિયોજનાનો શિલાન્યાસ વાસ્તવમાં સુશાસનની દિશામાં એક મોટું પગલું છે. દેશની આ પ્રથમ નદીજોડાણ યોજના છે. કેન નદી ઉપર 77 મીટર ઊંચાઈવાળો, 2.13 કિલોમીટરની લંબાઈવાળો ડેમ નિર્માણ પામશે જેને દૌધન ડેમ નામ અપાશે. 2853 મિલીયન ઘનમીટર પાણીનો સંગ્રહ થશે. અલબત્ત, આ સમગ્ર યોજના પૂર્ણ થતાં ખાસ્સો સમય લાગશે પરંતુ શરૂઆત થઈ તે વાત નાની નથી. બુંદેલખંડની કૈમુર પર્વતમાળામાંથી નીકળતી કેન નદી મધ્યપ્રદેશમાં થઈને યમુના નદીને મળે છે. યોજનાથી મધ્યપ્રદેશની 8.11 લાખ હેક્ટર જમીનને અને ઉત્તર પ્રદેશની 59 હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. અંદાજ એવો છે કે 55 લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. ગંજાવર ઊર્જા ઉત્પાદન પણ થશે.

મધ્યપ્રદેશના પન્ના, દમોહ, છતરપુર, ટીકમગઢ, નિવાડી, વિદિશા સહિતના વિસ્તારને તેનો લાભ મળવાનો છે. ઉત્તર પ્રદેશના ઝાંસી, લલિતપુર સુધી આ યોજનાનો ફાયદો વહેશે. નદીઓ-મહાનદીઓને જોડવી જોઈએ તેવો વિચાર તો બ્રિટિશ રાજ્યસત્તાના સમયમાં પણ હતો. 1982માં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીની રચના થઈ હતી તેમાં આ વિચાર પણ હતો. કુલ 30 નદીને આ રિવર લિંકિંગ પરિયોજના અંતર્ગત એકમેક સાથે જોડવાનું આયોજન છે.

 સરિતા સાયુજ્યની- નદી જોડાણની આવડી મોટી યોજનાનો અમલ સહેલો નથી. કેન નદીને બેતવા નદી સાથે જોડવા એક કેનાલનું નિર્માણ થશે. દૌધન ડેમમાં કેનનું પાણી લઈ જવાશે. પછી તે બેતવામાં ઠલવાશે. આ યોજનાથી વાઘ માટે અનામત રખાયેલો વિસ્તાર ડૂબમાં જશે તેવો એક અવરોધ વચ્ચે છે પરંતુ લાખો માનવીઓનું ભલું, વર્ષો સુધી થતું હોય તો પ્રાણીઓને તો અન્યત્ર પણ વસાવી શકાશે. યોજના તેના નિયત સમયે પૂર્ણ થાય તે આવશ્યક છે.

સ્વાભાવિક રીતે આવી યોજનાના આરંભે સંશય થાય કે આ શક્ય બનશે? પરંતુ નરેન્દ્રભાઈ મોદી 2012માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 115 ડેમને એકબીજા સાથે જોડવાની સૌની યોજનાની જાહેરાત કરી હતી. તે સમયે અનેક લોકોએ તેના પર શંકા કરી હતી, કેટલાકે સાવ હસવામાં વાતને લીધી હતી તો વિપક્ષ સહિતના અન્ય લોકોએ તેને ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવી હતી. 2016માં યોજનાના પ્રથમ તબક્કાનો આરંભ થયો અને અત્યારે સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ઘણા જળાશયો ઊનાળામાં પણ પાણીથી ભરેલાં રહે છે. સરિતા સાયુજ્ય યોજના પણ સફળ થશે તેવી આશા રાખવી નિરર્થક નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક