• બુધવાર, 12 માર્ચ, 2025

‘ઇન્ડિ’ની ખખડધજ ગાડી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું છે કે, તૃણમૂલ કૉંગ્રેસને વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસની જરૂર નથી અને ગઠબંધનની શક્યતા પણ નથી. આમ પણ કૉંગ્રેસ અને ટીએમસી વચ્ચે પહેલેથી જ સુમેળ નથી અને ઘણા સમયથી એકમેક સામે લડયા બાદ હવે મમતાની આ સ્પષ્ટ વાત ‘ઇન્ડિમોરચામાં તિરાડનું નહીં પણ મનમેળના અભાવને સ્પષ્ટ કરે છે. કૉંગ્રેસ સાથે ઘરોબો કેળવી ચૂંટણીમાં કેટલીક બેઠકો આપવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થશે અને ડાબેરી-િવરોધી મતોનું વિભાજન થશે એવાં સમીકરણ વિશે વિચારી મમતાએ આ વાત કરી હોવી જોઈએ. દિલ્હીમાં કૉંગ્રેસ અને ‘આપએ સ્વતંત્ર ચૂંટણી લડયા અને મત વિભાજનને પગલે પરાજય થયો, આથી ભાજપ સામે લડવા વિપક્ષ એકતા વિના આરો નથી.

કેટલાક દિવસો પહેલાં મમતાએ ‘ઇન્ડિમોરચાના પરાભવ અંગે કૉંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. કૉંગ્રેસ નબળી હોવાને લઈ ‘ઇન્ડિનિષ્ફળ જાય છે એવો આક્ષેપ કરીને તેમણે ગઠબંધનનું નેતૃત્વ કરવાની પણ તૈયારી દાખવી. કેટલાક નેતાઓએ તેમના સૂરમાં સૂર પણ પુરાવ્યો હતો. દિલ્હીમાં તો ‘િમત્રપક્ષોએ ‘આપને પરાણે ટેકો આપ્યો હતો. પ્રાદેશિક નેતાઓ રાષ્ટ્રીય નેતૃત્વનાં સપનાં ધરાવે છે, પણ ભાજપની લોકપ્રિયતા ઘટવાની અને પોતાના હાથમાં દેશની સત્તા આવવાની શક્યતા આછીપાતળી હોવાથી આ નેતાઓની આકાંક્ષાઓ ચકનાચૂર થઈ ગઈ છે. પોતપોતાનાં રાજ્યમાં સત્તા મળે એટલી જ તેમની ગણતરી છે. આમાં સૌથી વધુ નુકસાન કૉંગ્રેસને છે. દિલ્હીથી કોઈપણ નેત્રદીપક કાર્યવાહીની આશા ન હતી. ઊલટાનું પોતાનો વોટશૅર બે ટકા વધ્યો અને ‘આપને 14 બેઠકો પર ફટકો પડયો છતાં કૉંગ્રેસની બેઠકો તો શૂન્ય જ રહી, એવી દશા છે.

ઇન્ડિનું ભવિષ્ય શું તેની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. પણ મૂળમાં આ ગઠબંધનમાં કોને શું જોઈએ છે? એ સ્પષ્ટ નથી. ભાજપને સત્તાથી દૂર રાખવા જાતિનું રાજકારણ કરવાની આ પક્ષોની બધી ગણતરીઓ ઊંધી પડી છે, કેમ કે ભાજપના સોશિયલ એન્જિનિયરિંગ સામે તેઓ વામણાં પુરવાર થયા છે. બેઠક વહેંચણી મુદ્દે પણ તેમની વચ્ચે એકમત સધાતો ન હોવાનું ચિત્ર છે. બીજી બાજુ કૉંગ્રેસ નબળી છે, એમ કહેનારા મિત્રપક્ષોનો જ કૉંગ્રેસને નબળી પાડવામાં મોટો ફાળો છે. આમ, ભાજપ સામે લડનારાઓ વચ્ચે વિશ્વાસનો અભાવ તથા ગઠબંધનની નહીં પોતાની ચિંતા વધુ હોવાના કારણે ઇન્ડિ મોરચાનો રકાસ થયો છે. વિકાસની વાત વિના માત્ર આપસમાં ટાંટિયાખેંચની રાજરમતને મતદારો પણ ઓળખી ગયા છે, હવે આ પક્ષો પણ આ વાસ્તવિકતા સ્વીકારે તો સારું.

 

ઇ-પેપરના નવા શુલ્ક