ભારતીય સંસ્કૃતિના હાર્દમાં રહેલા ધર્મ અને આસ્થાનાં મૂલ્યો હંમેશાં મજબૂત રહ્યાં છે. આ મૂલ્યોના કેન્દ્ર સમાન ધર્મસ્થાનો તરફની શ્રદ્ધા અને ભક્તિ આધુનિક સમયમાં પણ અડગ છે. આવામાં ભગવાન રામના જન્મસ્થળે દાનની રકમની ચોરીના ચકચારી પ્રકરણે ભારે ચિંતા જગાવી છે. દાનની રકમ અને કિંમતી સામાનની ગેરરીતિઓ અંગે ઉત્તરપ્રદેશ સરકારે ખાસ તપાસ સમિતિની રચના કરી હતી, જેના અહેવાલમાં કરાયેલી ભલામણ મુજબ ગુરુવારે રામમંદિરનાં વહીવટ તંત્રના આઠ જણની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે છ જણની ધરપકડ કરીને આ ગંભીર પ્રકરણમાં કડક કાર્યવાહીનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
એસઆઈટી
દ્વારા તેનો વચગાળાનો અહેવાલ રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવને સોંપાયો છે. આ અહેવાલની
વિગતો સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી, પણ મળતી માહિતી મુજબ જવાબદારોની સામે એફઆઈઆર નોંધવાની સાથોસાથ સંખ્યાબંધ બાબતો આવરી
લેવાઈ છે, જે લાંબા સમયથી ચાલતી ગેરરીતિ અને તેને સુધારવામાં થઈ રહેલા દુર્લક્ષને
સ્પષ્ટ કરે છે.
એ રહસ્ય
છે કે, લગભગ છ વર્ષ અગાઉ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાનની રકમની ગણતરી
અંગે એક ઓડિટ ફર્મ દ્વારા સવાલ ઊભા કરાયા હતા. તેમ છતાં આ સવાલની અવગણના કરાઈ હતી. ખરેખર તો આ સવાલોના જવાબ ટ્રસ્ટના જવાબદારો પાસેથી
લેવાવા જોઈએ. હવે એસઆઈટીએ તેના અહેવાલમાં દાનની રકમના સાપ્તાહિક ઓડિટની ભલામણ કરી છે.
આ બતાવે છે કે, આ મૂળભૂત કામગીરી આરંભથી થવી જોઈતી હતી. ટ્રસ્ટે દાનની રકમ અને કિંમતી
ભેટોના વહીવટ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તરફ ધ્યાન આપ્યું નથી. વળી આ ચોરીનાં પ્રકરણની
વિગતો સામે આવ્યા બાદ ટ્રસ્ટે તુરંત એફઆઈઆર નોંધાવવાની જરૂરત હતી, પણ આવા ગંભીર મામલામાં
ટ્રસ્ટે કોઈ ધ્યાન આપવાની તસ્દી લીધી ન હતી. જો કે, શુક્રવારે ટ્રસ્ટના મહામંત્રી ચંપત
રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે. આ મામલામાં એફઆઇઆરમાં નામ ધરાવતા
આરોપીઓમાં ચંપત રાયના સહયોગી અને ડ્રાઇવરનો સમાવેશ થતો હોવાનું ઉલ્લેખનીય છે.
રામમંદિરનાં
આ ચિંતાજનક પ્રકરણમાં હજી 13મી જૂનના ત્રણ સભ્યની ખાસ તપાસ સમિતિ રચાઈ હતી. દાનની રકમ
અને આર્થિક વહીવટ અંગેના આરોપોની તપાસનો વચગાળાનો અહેવાલ આવી ગયો છે. જો કે, આ અહેવાલને
સત્તાવાર રીતે જાહેર કરાયો નથી અને તેને ગુપ્ત રખાયો છે. હવે વિપક્ષી નેતાઓ આ મામલે
સરકારના દાવાઓ અને ઈરાદા સામે સવાલ ઊભા કરવા
લાગ્યા છે. સરકારે ખરેખર તો આ પ્રકરણમાં જવાબદારોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી
આસ્થાના પ્રતીક સમાન આ ધર્મસ્થળની પવિત્રતા અને વિશ્વાસને જાળવી રાખવો જોઈએ. દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓની શ્રદ્ધાનાં પ્રતીક
સમાન રામમંદિરના આ મામલાએ વ્યાપક રીતે દુ:ખ અને રોષની લાગણી જગાવી છે. અપાર સંપત્તિ
અને આવક ધરાવતા દેશનાં પ્રસિદ્ધ ધર્મસ્થાનકોમાં પણ આવી ગેરરીતિઓના નાના કે મોટા કિસ્સા
સામે આવતા રહે છે. ભગવાન તરફની મજબૂત શ્રદ્ધા આવાં પ્રકરણોને કારણે ડગતી નથી એ હિન્દુ
ધર્મની અનોખી આભા છે, પણ હવે જ્યારે રામમંદિરના મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ
રહી છે અને વહીવટને વધુ વ્યવસ્થિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર અને
સંબંધિત રાજ્ય સરકારોએ પ્રસિદ્ધ ધર્મસ્થાનો માટે હિસાબોના ઓડિટ અને ચકાસણી માટે કાયમી
નક્કર વ્યવસ્થા અનિવાર્ય બનાવવાની પહેલ કરીને હિન્દુઓની ભક્તિને અતૂટ રાખવામાં યોગદાન
આપવું જોઈએ.