• મંગળવાર, 03 માર્ચ, 2026

આ વિકૃતિનો ઈલાજ ક્યારે ?

દુષ્કર્મની ઘટના તો દેશના વિવિધ પ્રાંતમાં સતત બને છે. ગુજરાતમાં પણ તે સંખ્યા ઓછી નથી. હમણા હમણા બાળાઓ ઉપર પણ દુષ્કર્મ થતા હોવાના બનાવ સતત વધી રહ્યા છે. કાનૂનની સાથે જ સામાજિક દૃષ્ટિએ આ સમસ્યા ઘણી મોટી છે. સ્થિતિ વણસી રહી છે. પશ્ચિમ બંગાળમાં બળાત્કાર થાય તો ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં રેલી નીકળે, બંધ પાળવામાં આવે પરંતુ ગુજરાતમાં છ વર્ષની બાળા દુષ્કર્મનો ભોગ બને તો પણ કોઈના પેટનું પાણી હલે નહીં. પોલીસ તેની રીતે કાર્યવાહી કરે તે બરાબર છે પરંતુ આવી ઘટનાના મૂળમાં ઉતરવા માટે સૌના પ્રયાસ જરૂરી છે. સામાજિક સંગઠનો, શિક્ષણ સંસ્થાઓની પણ અહીં મહત્વની ભૂમિકા છે.

રાજકોટ પાસેના આટકોટ નજીક છ વર્ષની એક બાળકી પરપ્રાંતીય યુવાનની વાસનાનો ભોગ બની. લોકોમાં રોષ ફાટી નીકળવો સ્વાભાવિક હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસ દરમિયાન ઘટનાના નાટકીય પુનરાવર્તન (રિકન્સટ્રક્શન)ની પ્રક્રિયા કરી. આરોપીએ પોલીસની ટૂકડી ઉપર હુમલો કર્યો અને વળતા પ્રહારમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, આરોપીના પગમાં ગોળી વાગી. ઘણા સમયે થયેલા એન્કાઉન્ટરની ચર્ચા બે દિવસ સૌરાષ્ટ્રમાં થઈ. ગાંધીનગરનો બે દિવસ પહેલાંનો બનાવ પણ ચોંકાવનારો છે. 5 વર્ષની બાળકીને વિકૃત માનસિકતા ધરાવતા કેટલાક લોકો ઉઠાવી ગયા અને દુષ્કર્મ ગુજાર્યું. બાળાના માનસ ઉપર અત્યંત ગંભીર અસર થઈ.

પાંચ- છ વર્ષની બાળાને જોઈને તો લાડ કરવાનું મન થાય પરંતુ આ મનોવિકૃતિની કઈ કક્ષા કે આવી રીતે દુષ્કર્મ થાય. કાયદો, માનવ અધિકાર, અહિંસા બધા શબ્દો થોડી વાર માટે ભૂલાવી દઈને કોઈ પણ માણસ એમ કહે કે આને તો અત્યંત આકરી સજા ઘટના સ્થળે જ થવી જોઈએ. તે જ એનો ન્યાય છે. આવા આરોપી સામે વળી શું કેસ ચલાવવાનો, કાયદો કાયદાની રીતે ચાલે પરંતુ સમાજમાં આવી બાબત ચાલવી જોઈએ નહીં. શા માટે થાય છે આટલી વિકૃતિ? શું તેના માટે સોશિયલ મીડિયા સાઈટ્સ, પોર્નોગ્રાફી પીરસતા માધ્યમો, ફિલ્મો જવાબદાર છે? લોકોની જીવનશૈલી, ખાનપાનની રીતની અસર પણ માનસિકતા ઉપર પડયા વગર રહે નહીં. કાનૂનની જવાબદારી આવી સ્થિતિમાં છે જ પરંતુ તે સિવાય આપણે સમાજ રચનામાં ક્યાં ભૂલ કરી ગયા તે પણ શોધવું જોઈએ. કાયદા તો સખત છે છતાં કોઈને ડર નથી.

લાખો રૂપિયા ફી વસૂલતી શિક્ષણ સંસ્થાઓએ ડિગ્રીધારી વ્યવસાયીઓ આપ્યા પરંતુ સારા-સંસ્કારી મનુષ્યનું નિર્માણ પણ તેમનું કર્તવ્ય છે. કે.જી. થી પી.જી. સુધીના શિક્ષકો-અધ્યાપકો ફક્ત પુસ્તકો ભણાવતા રહ્યા. કેટલી સામાજિક સંસ્થાઓ પશુઓ માટે કામ કરે છે? માનવ સંસ્કાર માટેનું કામ કેમ કોઈ નથી કરતું? ધાર્મિક કાર્યક્રમોમાં- પાટોત્સવો, ઉર્સ, કથા, યજ્ઞોમાં ટોળાં હોય છે. આપણને આપણા શાત્રોની વાત, પાપ-પૂણ્ય કથા, કર્મનો સિદ્ધાંત જેવી વાતો પણ અસર કરતી નથી એટલી આપણી ચામડી જાડી થઈ ગઈ છે? આ સ્થિતિનો ઉકેલ ક્યાં એ સવાલમાં ફરી ફરીથી અટવાઈ જવાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક