રાજકોટમાં
પોક્સો સ્પેશિયલ કોર્ટે શનિવારે આપેલો ચુકાદો ઘણું કહી જાય છે. ગુજરાતમાં કાયદાક્ષેત્રનું
વલણ અમુક ગુનાઓ પ્રત્યે કેટલું સખત છે તેનો આ પુરાવો છે. આટકોટ પાસે સાત વર્ષની બાળા
ઉપર મધ્ય પ્રદેશના વતનીએ અધમ રીતે દુષ્કર્મ કર્યુ હતું. પોલીસે તેને પકડીને કાર્યવાહી
કરી હતી અને તે દરમિયાન પણ તેણે પોલીસ પર હુમલો કરતાં તેના પગમાં ગોળી પણ વાગી હતી.
લોકોના ઉશ્કેરાટ અને આવેશ એટલા તીવ્ર હતા કે એવું કહેવાયું હતું કે આનું તો એન્કાઉન્ટર
જ કરવું જોઈએ. જો કે કોર્ટમાં કાર્યવાહી થઈ. 43 જ દિવસમાં સ્પેશ્યિલ પોક્સો કોર્ટે
ચુકાદો આપ્યો અને આરોપીને ફાંસીની સજા ફરવાવવામાં આવી છે.
સાત
વર્ષની બાળા ઉપર બળાત્કારની 43 જ દિવસમાં આવી સજા રાજ્યમાં પહેલીવાર ફરમાવવામાં આવી
છે. કોર્ટે પીડિત બાળાના પુન:વસન માટે રૂ. 7 લાખ ચુકવવા ગુજરાત સરકારને આદેશ કર્યો
છે. પીડિત બાળાને ન્યાય મળ્યો તેના પરિવારને સંતોષ થયો તેવું ચોક્કસ કહી શકાય પરંતુ
ફાંસીનો અમલ થશે કે નહીં તે નક્કી નથી. 1963થી 2026 સુધીમાં ફાંસીના 8 ચુકાદા આવ્યા
છે. પ માં ફાંસીનો અમલ થયો છે. 2 માં હજી અપીલની કાર્યવાહી પડતર છે. રાજ્યમાં છેલ્લા
10 વર્ષમાં 77 જેટલા આરોપીને ફાંસીની સજા અપાઈ છે, અમલ થયો નથી. કાનૂની પ્રક્રિયા,
આરોપીને બચાવની તકની જે વ્યવસ્થા આપણે ત્યાં છે તે જોતાં આવા કિસ્સાઓમાં વિલંબ હોય
છે. જો કે 43 જ દિવસમાં ચુકાદો અને એક સ્તરેથી ફાંસીની સજા તે પણ કાનૂનની સખ્તીનો પરિચય
આપે છે.