• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

કોંગ્રેસ, ઝખઈ પાસે વિકાસનો એજન્ડા નથી : મોદી

આસામ અને બંગાળમાં વિવિધ મહત્ત્વની વિકાસ યોજનાઓનાં લોકાર્પણ, પાયાવિધિ કરતાં વડાપ્રધાનના વિપક્ષો પર પ્રહાર

ગુવાહાટી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામ પ્રવાસના બીજા દિવસે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે વિકાસનો કોઇ એજન્ડા નથી.

ભાજપ દેશના લોકોની પહેલી પસંદ બની ગઇ છે. દેશ કોંગ્રેસને લગાતાર નકારી રહ્યો છે, જે મહારાષ્ટ્રમાં વર્ષો સુધી સત્તામાં રહ્યો ત્યાં જ કોંગ્રેસ પક્ષ હારી ગયો, તેવું તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાને કાલિયાબોરમાં સાત હજાર કરોડ (રૂા. 6,950 કરોડ) જેટલી કિંમતે નિર્માણ પામનાર કાઝિરંગા એલિવેટેડ કોરિડોરની પાયાવિધિ કરી હતી.

મોદીએ કહ્યું હતું કે, દર વર્ષે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધે છે, ત્યારે વન્યજીવોને ઊંચા ભાગોમાં જવું પડે છે. રાયનો હાથી રસ્તા પર ફસાઇ જાય છે. એ માટે જ 90 કિ.મી.નો કોરિડોર બનશે.

બિહારમાં કોંગ્રેસે ઘૂસણખોરોને બચાવવા યાત્રાઓ યોજી, તો બિહારે કોંગ્રેસને બહાર કરી નાખી. મને વિશ્વાસ છે કે, આસામ પણ તેમ જ કરશે, તેવું મોદી બોલ્યા હતા.

બીજી તરફ, બપોરે બંગાળ પ્રવાસે પહોંચીને અનેક ચાવીરૂપ વિકાસ           

યોજનાઓનાં લોકાર્પણ -પાયાવિધિ કરતાં વડાપ્રધાને પ્રહાર કર્યા હતા કે કેન્દ્રની યોજનાના લાભ રોકીને મમતાની તૃણમૂલ સરકાર બંગાળના લોકો સામે દુશ્મની કરે છે.

‘િવકસિત ભારત’નું લક્ષ્ય સાકાર કરવા માટે પૂર્વ ભારતનો વિકાસ બેહદ જરૂરી છે અને કેન્દ્ર સરકાર સતત એ દિશામાં કામ કરી રહી છે, તેવો વિશ્વાસ વડાપ્રધાને અપાવ્યો હતો.

અવરોધ રહિત પરિવહન સુનિશ્ચિત કરવા માટે બંદરો,    જળમાર્ગો, હવાઇ મથકો, ધોરીમાર્ગોને આપસમાં જોડાઇ      રહ્યા છે.

હુગલી જિલ્લામાં વડાપ્રધાને લગભગ 830 કરોડ રૂપિયાથી વધુ કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનાં ઉદ્ઘાટન, લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યા હતા.

બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને બે દિવસના બંગાળ-આસામના પ્રવાસે વડા પ્રધાન મોદીએ આજે સિંગૂરની જનસભામાં બંગાળની મમતા બેનરજી સરકાર ઉપર આકરા પ્રહારો કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું કે જે રાજ્યોમાં ભાજપની ડબલ એન્જિનની સરકાર છે એ રાજ્યોમાં વિકાસના કાર્યો તેજ ગતિથી થઇ રહ્યા છે, બંગાળમાં પણ ડબલ એન્જિનની સરકાર જરૂરી છે. ડબલ એન્જિનની સરકારવાળા રાજ્યોને કેન્દ્રની યોજનાઓનો પૂરતો લાભ મળી રહ્યો છે, બંગાળ સરકાર ગરીબ કલ્યાણની યોજનાઓમાં અડચણો ઉભી કરી રહી છે. કેન્દ્રની યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચવા નથી દેતી. બંગાળમાં પણ જો ભાજપની સરકાર બનશે તો જનસામાન્યની હાલત સુધરશે.

મોદીએ કહ્યું કે બંગાળની મમતા સરકાર દેશની સુરક્ષા સાથે પણ ખેલ ખેલી રહી છે. આનાથી બંગાળની યુવા પેઢી સાવધ રહે. તૃણમૂલની સરકાર ઘુષણખોરોને પ્રોત્સાહન આપે છે, જે તૃણમૂલની મતબૅન્ક બની રહી છે. ઘુષણખોરોને બચાવવા માટે તૃણમૂલ સરકાર કોઇ પણ હદે જઇ શકે છે. કેન્દ્ર સરકાર વારંવાર બંગાળ સરકારને પત્ર લખીને બંગાળની આંતરરાષ્ટ્રીય બૉર્ડરે ફેન્સિંગ માટે જમીન આપવાનું કહી રહી છે પરંતુ બંગાળ સરકારને એનાથી કોઇ ફરક નથી પડતો. તૃણમૂલ કૉંગ્રેસ એવા તત્વો અને સંગઠનોને સમર્થન આપી રહી છે જે ઘુષણખોરોને સંરક્ષણ આપી રહ્યા છે. હવે એ સમય આવી ગયો છે જે લોકો બનાવટી દસ્તાવેજોથી સમાજમાં છૂપાયા છે એમને ઓળખીને પરત મોકલવાના છે. આ કામ માત્ર આપનો એક મત કરશે, ભાજપને આપેલો તમારો એક-એક મત આ સમસ્યાનો અંત આણશે.

મોદીએ સભામાં કહ્યું હતું કે હુગલી અને રાષ્ટ્રગાન વંદે માતરમ્નો સંબંધ વિશેષ છે. ઋષિ બંકીમજીએ વંદે માતરમ્ જેવી દેશભક્તિના જુસ્સામાં પ્રાણ ફૂંકનારી ઉત્તમ રચનાને અહીં જ પૂર્ણરૂપ આપ્યું હતું. જે રીતે વંદે માતરમ્ સ્વતંત્રતાનો ઉદ્ઘોષ બની રહ્યું એ રીતે જ બંગાળ અને ભારતને વિકસિત બનાવવાનો મંત્ર પણ વંદે માતરમ્ બનાવવાનો છે.

મોદીએ જણાવ્યું કે ભાજપની સરકારે જ દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ઇન્ડિયા ગેટની સામે નેતાજી સુભાષ ચંદ્રની પ્રતિમાની સ્થાપના કરીને લાલ કિલ્લાથી આઝાદ હિંદ ફોજના યોગદાનને નમન કર્યું હતું. અંદામાન નિકોબારના એક દ્વિપને નેતાજીનું નામકરણ કરાયું. 

ઇ-પેપરના નવા શુલ્ક