કેન્દ્રીય
તપાસનીશ એજન્સીઓની કામગીરી સામે વિપક્ષી નેતાઓએ હંમેશાં સવાલ ખડા કર્યા છે. આમાં ખુદ સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની કામગીરી સામે અસંતોષ પણ વ્યક્ત
કર્યો છે. હાલે કોલકાતામાં એક રાજકીય સલાહકાર
પેઢીની કચેરી પર ઈડીએ પાડેલા દરોડામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાબ્દિક
ટીકાની મર્યાદા ઓળંગીને જે રીતે બળજબરીથી પુરાવા પોતાની સાથે લઈ જવાના અને ઈડીના અધિકારીઓની
સામે રાજ્ય પોલીસ પાસે ગુનો નોંધાવીને બંધારણીય વિવાદ છેડયો છે. સર્વોચ્ચ અદાલતને આ મામલામાં તાકીદની દરમ્યાનગીરી
કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય
છે કે, આઈપેક મામલામાં ઈડીએ કોલકાતામાં આ કંપનીની કચેરી પર દરોડો પાડીને તપાસ હાથ ધરી
હતી. આ કાર્યવાહીથી રોષે ભરાયેલા મમતા બેનર્જીએ સ્થળ પર ધસી જઈને ઈડી અધિકારીઓની સામે
ગંભીર આરોપો લગાવવાની સાથોસાથ અમુક ફાઈલો પોતાની સાથે લઈ ગયા હતા. સ્વાભાવિક રીતે જ
સવાલ ખડો થયો છે કે, કોઈ રાજ્યના મુખ્યમત્રી કે મંત્રી કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીમાં
દખલગીરી કરી શકે ખરા ? વિશ્લેષકો સ્પષ્ટ રીતે
માને છે કે, મુખ્યમંત્રી કાયદાથી પર હોઈ શકે નહીં અને તેઓ તપાસનીશ એજન્સીની ઉપર બિનજરૂરી
દબાણ કરી શકે નહીં.
હવે
આ પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતે મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળ સરકારને આંચકો આપ્યો છે. ઈડીના અધિકારીઓ સામે રાજ્ય સરકારે દાખલ કરેલી પોલીસ
ફરિયાદને અદાલતે સ્થગિત કરી છે મમતાને નોટિસ
પાઠવી છે. અદાલતે એમ કહ્યંy છે કે, આ મામલો ભારે ગંભીર છે અને તેની ઝીણવટભરી તપાસ થવી
જોઈએ. સ્વાભાવિક રીતે આ વિવાદ હવે બંધારણીય મુદ્દો બની ગયો છે. આવનારા સમયમાં આ ચોંકાવનારા
પગલાંનું પુનરાવર્તન થાય તો તેના ગંભીર પરિણામ આવી શકે તેમ છે. ઈડીનું કહેવું છે કે, ટોચના બંધારણીય હોદ્દા ધરાવતા
નેતાઓ જો તપાસનીશ એજન્સી દ્વારા જપ્ત કરાયેલા પુરાવા આંચકીને તેને સમાચાર માધ્યાનોની
સામે પ્રદર્શિત કરતા થાય તો તે બંધારણ અને કાયદાના શાસનનું અપમાન ગણાય.
ઈડીએ
આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળ પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલ કર્યા છે. પોલીસે એફઆઈઆરના
બહાના તળે સીસી ટીવીના કેમેરા જપ્ત કર્યા છે, જેમાં તપાસમાં મુખ્યમંત્રી અને તેમના
અધિકારીઓની તપાસમાં અંતરાય ઊભો કરાયાનાં દૃશ્યો હતાં. ઈડીએ સર્વોચ્ચ અદાલત પાસે બંગાળના પોલીસવડા અને
કોલકાતાના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની સામે કાર્યવાહીની પણ વિનંતી કરી છે. આમ આ
આખો મામલો વધુ ને વધુ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે.
ખેરખર
તો આવનારા સમયમાં અદાલત મમતા અને તેમની સરકારને કઈ રીતે નાથી શકે છે તે ખાસ જોવાનું
રહેશે. ખરેખર તો ઈડી જેવી એજન્સીઓની કામગીરી સામે સવાલ ઊભા કરવાનો વિપક્ષી નેતાઓને
અધિકાર છે, પણ તેમણે આવી કોઈ કામગીરીમાં અંતરાય ઊભો થાય એવું દબાણ સર્જવાથી અળગા રહેવાની
જરૂરત છે. આ વિવાદે ખરેખર રાજકીય અને બંધારણીય કડવાશ સર્જી છે.