ડોનાલ્ડ
ટ્રમ્પનું તાજેતરનું કારનામું એ છે કે તેમણે વેનેઝુએલાના પ્રમુખ ને સહપત્ની તેમના દેશમાંથી
ઉઠાવી લીધા. આવું કરવા પાછળના કારણ જુદાં આપ્યા અને વાસ્તવિકતા તદ્દન અલગ છે. ટ્રમ્પની
નજર વેનેઝુએલામાં ભંડારાયેલા તેલમાં છે, ત્યાંના કૂવાઓમાં 300 અબજ બેરલ તેલ હોવાનો
અંદાજ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ધ્યાનભંગ કરાવનારી અપ્સરા સમાન સાબિત થયું છે. ત્યાં
કબજો કરી લેવા માટે તેઓએ હદ વળોટી છે પરંતુ અમેરિકામાં તેલ ઉદ્યોગે આ ‘મનોરથ’માં ‘રે
લોલ’ કરવાનું હાલ પૂરતું ટાળ્યું છે. વેનેઝુએલામાં તેલ તો છે પરંતુ તેની ગુણવત્તા માટે
તેલ ઉદ્યોગકારોને સંશય છે. આ તેલ ચીકણું, તેજાબી છે. હલકી ગુણવત્તાનું છે.
તેલની
કિંમત કરતાં તો તેના શુદ્ધિકરણનો ખર્ચ વધી જાય છે. ત્યાં તેલ ઉત્પાદનની સવલત પણ યોગ્ય
નથી. અમેરિકાની અમુક રિફાઈનરી જ આ કામ કરી શકે તેમ છે. વેનેઝુએલાનું તેલ ઉત્પાદન
40 લાખ બેરલથી ઘટીને છેક દસ લાખ બેરલ સુધી આવી ગયું છે. વેનેઝુએલામાં આગામી દસ વર્ષમાં
100 અબજ ડોલરનું રોકાણ અમેરિકન કંપનીઓ કરે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે. રાજકીય,
કાનૂની અને વેપારી અડચણોને આડે ધરીને અમેરિકાના તેલ ઉદ્યોગો આ કરવા તૈયાર નથી. રાજકીય
સ્થિરતા, કાયદાનું મજબૂત શાસન સંપત્તિના અધિકારોનું રક્ષણ થતું હોય ત્યાં રોકાણ કરાય
તેવું તેઓ માને છે અને વેનેઝુએલામાં તે શક્ય નથી. ત્યાંની સમાજવાદી સરકાર પ્રત્યે પણ
અમેરિકાના તેલઉદ્યોગને શંકા છે.
ટ્રમ્પના
કહેવાથી ત્યાંના શાસકો અમેરિકાના વેપારીઓને સાથ આપે, અને જ્યારે ટ્રમ્પ સત્તા ઉપર ન
હોય ત્યારે શું તે સવાલો અગત્યના છે? વેનેઝુએલામાં કાર્યરત અમેરિકન કંપનીનો ઉત્પાદન
ખર્ચ ઘણો વધારે છે તે ઉદાહરણ સૌ માટે હાથવગું છે. ભલે તાત્કાલિક નહીં પરંતુ આગામી દાયકાઓમાં
સૌર ઊર્જા, પવન ઊર્જા જેવા બિનપરંપરાગત ત્રોતોને લીધે તેલના ઉપયોગનું પ્રમાણ ક્રમશ:
ઘટતું જશે તેવું પણ આ ઉદ્યોગકારો જોઈ શકે છે. તેલની કિંમતમાં થઈ રહેલો ઘટાડો તેમને
આવું માનવા પ્રેરિત કરે છે. આ સ્થિતિમાં ટ્રમ્પે જે પગલું ભર્યું તેનાથી તેમને કોઈ
ફાયદો થાય તેવું લાગતું નથી ઉલટું વિશ્વમાં તેમની છબિ ખરડાઈ છે તે સ્પષ્ટ છે.