આમ
તો અમેરિકા બાંગ્લાદેશ સાથે વેપાર કરાર કરે એનાથી ભારતની ઊંઘ ઊડી જાય એવી શક્યતા નહિવત્
છે. જોકે, હાલમાં આ બે દેશો વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાંગ્લાદેશ માટે કેટલી લાભદાયક છે,
એ તો આગળ જતાં ખબર પડશે, પણ ભારતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર આની માઠી અસર થવાની શક્યતા
લગભગ પાકી છે. ભારત સાથેના કરારમાં અમેરિકાએ 18 ટકા આયાત ટેરિફ લાગુ કરી છે, આપણા પાડોશી
દેશો અને જેની સાથે આપણે સ્પર્ધામાં છીએ એવા અગ્નિ એશિયાનાં રાષ્ટ્રો કરતાં આ દર નીચો
હોવાથી ઍડવાન્ટેજ ઈન્ડિયાનું ચિત્ર ઉપસ્યું હતું. પણ, હવે એવું સામે આવ્યું છે કે,
બાંગ્લાદેશમાં ઉત્પાદિત ટેક્સ્ટાઈલ ઉત્પાદનો પર અમેરિકા ઝીરો ટેરિફ લગાડશે. આની સામે
બાંગ્લાદેશ અમેરિકામાં બનેલું કાપડ ખરીદશે અને તેના પર કોઈ આયાત ટેરિફ નહીં લગાડવામાં
આવે. ટૂંકમાં, અમેરિકન કાપડ બાંગ્લાદેશમાં કરમુક્ત હશે અને તેમાંથી બનેલાં કપડાં પર
અમેરિકામાં કોઈ ટેરિફ નહીં લાગે. બાંગ્લાદેશની પાંચે આંગળીઓ ઘીમાં છે, કેમ કે કાચા
માલ પર વધારાનો કર નહીં અને અંતિમ ઉત્પાદન પણ ટૅક્સ ફ્રી. આના કારણે ભારતના ટેક્સ્ટાઈલ
ઉદ્યોગને બે બાજુથી માર પડવાની શક્યતા છે. અત્યાર સુધી ભારતીય કાપડનું સૌથી મોટું ગ્રાહક
બાંગ્લાદેશ હતું. બાંગ્લાદેશ વિશ્વમાં રેડીમેઈડ કપડાંનું હબ છે, પણ હવે તેઓ અમેરિકા
પાસેથી કપાસ ખરીદશે, આથી એક તો આપણા કાપડ માટેનું મોટું બજાર તૂટી જશે. બીજું, ભારતીય
રેડીમેઈડ ગાર્મેન્ટ અમેરિકામાં મેઈડ ઈન બાંગ્લાદેશ માલ કરતાં મોંઘું વેચાશે.
પાડોશીઓની
બાબતમાં ભારતનું નસીબ બે ડગલાં આગળ જ છે. આજે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી છે અને
તેમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને (બીએનપી) અમેરિકા સાથેના વેપાર કરારનો ફાયદો થશે
એમાં શંકા નથી. ચૂંટણી પૂર્વેનાં સર્વેક્ષણોમાં બીએનપીના વિજયની શક્યતા વર્તાવવામાં
આવી છે. જો કે, ભારતદ્વેષી મોહમ્મદ યુનુસની રખેવાળ સરકારના સ્થાને બીએનપી કે જમાત-એ-ઇસ્લામીની
સરકાર આવે તો પણ ભારતને આ મોરચે રાહતની શક્યતા ઓછી જ છે. જમાત અને પાકિસ્તાન વચ્ચેની
નિકટતા અને ભારત પ્રત્યેની કટ્ટરતા સર્વવિદિત છે. વળી, અમેરિકા સાથેના કરારમાં બાંગ્લાદેશે
ટેક્સ્ટાઈલ ક્ષેત્રે લાભ મેળવવા માટે ઢાકાએ વાશિંગ્ટન માટે પોતાના કૃષિ તથા અન્ય ક્ષેત્રો
ખોલી નાખ્યાં છે, જેનું ભારતે આ ડીલમાં સંરક્ષણ કર્યું છે. બાંગ્લાદેશ યુરોપીયન યુનિયન
સાથે મુક્ત વેપાર કરાર માટે ઉતાવળું થયું છે, કેમ કે ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગને યુરોપીયન
બ્લૉક અને યુકે સાથેના કરારમાં સ્પર્ધાત્મક લાભ થયો છે. ભારત માટે પાડોશમાં શાંતિ અને
સદ્ભાવની શક્યતા આછીપાતળી થતી જાય છે.