લોકસભામાં
વિરોધ પક્ષોએ સ્પીકર ઓમ બિરલા પ્રતિ અવિશ્વાસ વ્યક્ત કરતો ઠરાવ આપ્યો છે - આ ઠરાવ સંસદીય
નિયમ અનુસાર ગૃહના સચિવ - સેક્રેટરી જનરલને સોંપવામાં આવ્યો છે. સ્પીકરે સેક્રેટરી
જનરલને નિયમ મુજબ નિર્ણય લેવા જણાવ્યું છે અને નિર્ણય લેવાય ત્યાં સુધી નૈતિક ધોરણે
સ્પીકર લોકસભામાં એમના આસન ઉપર નહીં બેસે એવી જાહેરાત કરી છે. હવે આ ઠરાવ લોકસભામાં
રજૂ થાય છે કે નહીં તે જોવાનું છે. વિરોધ પક્ષો - કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ - અવિશ્વાસનો
ઠરાવ રજૂ કરવા અંગે ખરેખર ગંભીર છે કે પછી મોદી સરકારને ઘેરવા માટે આ રાજકીય વ્યૂહ
છે એ જોવાનું છે. સ્પીકર ઓમ બિરલાજીએ નૈતિક ધોરણે - દૂર રહેવાની જાહેરાત કરી તે સર્વથા યોગ્ય છે. સંસદીય કાર્યવાહી
અને નિયમ અનુસાર લોકસભાના બે સભ્યો ઠરાવ ગૃહમાં મૂકીને તે સ્વીકારવાની મંજૂરી માગી
શકે છે. આ પછી ઠરાવના ટેકામાં ઓછામાં ઓછા 50 સભ્યો ઊભા થાય ત્યારે ઠરાવ ‘દાખલ’ થાય
અને ગૃહમાં તેના ઉપર ચર્ચા થયા પછી હાજર સભ્યોના 50 ટકા સભ્યોની બહુમતી થાય તો ઠરાવ
પસાર થાય. પણ ઠરાવમાં ‘આક્ષેપ’ સ્પષ્ટ હોવા જોઈએ. કોઈ દલીલબાજી, કટાક્ષયુક્ત ટિપ્પણી
અથવા બદનક્ષી કરતાં નિવેદન હોવાં નહીં જોઈએ. ઉપરાંત જે બે સભ્યોએ ઠરાવ મૂકયો હોય અને
ચર્ચા માટે દાખલ થયો હોય તેઓ ભાષણ કરે નહીં.
ઠરાવની
ચર્ચા દરમિયાન સ્પીકર, નાયબ સ્પીકર અથવા તો ગૃહના અધ્યક્ષ જાહેર કરે કે ઠરાવ રજૂ કરવાની
મંજૂરી આપવામાં આવી છે. ચર્ચા કયા દિવસે થશે તેની તારીખ પણ જાહેર થાય છે. અલબત્ત, નોટિસ
આપ્યા પછી 10 દિવસથી વધુ સમય લાગે નહીં. નિર્ધારિત દિવસે ચર્ચા શરૂ થાય તેમાં સ્પીકર
ધારે તો ભાગ લઈ શકે છે. લોકસભાના ઇતિહાસમાં વર્ષ 1954માં પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ
માવળંકર સામે અને તે પછી 1966માં સરદાર હુકમ સિંઘ અને 1987માં બલરામ જાખડ સામે આવા
ઠરાવ આવ્યા હતા, પણ નિષ્ફળ ગયા હતા. આ વખતે ઠરાવ આવે તો સરકાર પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી
ઠરાવ ઊડી જવાની આશા છે. અલબત્ત, વિરોધ પક્ષોના નિશાના ઉપર વડા પ્રધાન મોદી છે - સ્પીકરની
હાર એટલે સરકારની હાર ગણાય.
વિરોધ
પક્ષોએ અવિશ્વાસ વ્યક્ત કરવા માટે ચાર કારણો - ફરિયાદો મૂકી છે. મુખ્ય તો વિપક્ષી નેતાને
ગૃહમાં બોલવાની (અપ્રકાશિત પુસ્તકની માહિતી ટાંકવાની) મંજૂરી અપાઈ નહીં તે ફરિયાદ છે.
આ ઉપરાંત વિરોધ પક્ષોના આઠ સભ્યોને ધાંધલ-ધમાલ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા તે.
ભાજપના સભ્ય નિશીકાંત દુબેએ પૂર્વ બે વડા પ્રધાનો સામે આક્ષેપાત્મક ભાષણ ર્ક્યું ત્યારે
સ્પીકરે એમને રોક્યા-ટોક્યા નહીં અને છેલ્લે કૉંગ્રેસની મહિલા સભ્યો વડા પ્રધાન સામે
દેખાવો કરે અને અણધાર્યો બનાવ બને - એવી માહિતી સ્પીકરે આપી તેની ફરિયાદ કરી છે!
મહિલા
શક્તિ અંગેની ફરિયાદના જવાબમાં સરકારે લોકસભાનાં દૃશ્યોનો વીડિયો જાહેર કરીને ફરિયાદ
પાયા વિનાની હોવાનું સાબિત કર્યું છે! આ અવિશ્વાસના ઠરાવમાં મમતાદીદીનો પક્ષ જોડાયો
નથી અને સ્પીકરને સાત દિવસની મુદત આપવી જોઈએ - આ રીતે ઠરાવ રજૂ કરાય નહીં એવું વલણ
લીધું છે ત્યારે કૉંગ્રેસનો વ્યૂહ વડા પ્રધાન મોદીને ઘેરવાનો અને ઠરાવ પસાર થાય નહીં
તો પણ ચર્ચામાં આક્ષેપો કરવાનો છે.