યુદ્ધ હવે નહીં અટકે તેવી ડોનાલ્ડ ટ્રમ્પની કાળવાણી પછી આખા વિશ્વમાં ઉચાટ વધી ગયો છે. હવે શું થશે તેવા વૈશ્વિક સવાલની વચ્ચે ઈરાને ભારતને સધિયારો આપ્યો છે કે ત્યાં વસતા ભારતીયોની ચિંતા ન કરે. આ રાહત આપનારી બાબત છે પરંતુ સવાલ ફક્ત ત્યાં વસતા ભારતીયોના જીવનની સુરક્ષાનો જ નથી. યુદ્ધની જે વિપરિત અસરો થઈ રહી છે તેમાં ભારત પણ છે. વિશ્વના અર્થતંત્ર ઉપર જે વિપરિત અસર પડવાનું શરૂ થયું છે તે જોતાં હવે પછી માણસો સુરક્ષિત રહેશે પરંતુ સુખી કેટલા રહી શકશે તે સવાલ છે. દરરોજ સ્થિતિ વધારે વિકટ થઈ રહી છે.
ભારત
સ્થિત ઈરાનીયન પ્રતિનિધિએ કહ્યું છે કે અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, ચિંતાની
કોઈ વાત નથી. સાંભળવામાં સારી લાગે તેવી આ વાત છે. જો કે વિદેશ મંત્રાલયે 30મી માર્ચે
આપેલી સત્તાવાર માહિતી અનુસાર યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 8 ભારતીયના મૃત્યુ
થયાં છે, એક લાપતા છે. અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન એચઆરએએનએના કહેવા અનુસાર અત્યાર
સુધીમાં 3461 માણસોના મૃત્યુ થયાં છે જેમાં 1551 સામાન્ય નાગરિક છે અને તેમાં 236 બાળકો
સામેલ છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ કહે છે 1900 માણસોના મૃત્યુ થયાં છે. લેબેનોનમાં
શરૂ થયેલા હુમલામાં 1238 માણસો મર્યાં છે. સ્થિતિ ઈરાકમાં પણ ખરાબ છે.
માણસ
તો જીવજંતુની જેમ ત્યાં મરી રહ્યા છે પરંતુ જે લોકો જીવે છે તેમનું જીવવું દુષ્કર બનશે
તેવા એંધાણ સ્પષ્ટ છે. ગેસ અને તેલ- ઈંધણના ભાવ વધી રહ્યા છે. ભારત સરકાર હજી નિયંત્રણ
રાખીને બેઠી છે પરંતુ તે ક્યાં સુધી રહેશે? કેટલીક ઓઈલ કંપનીઓએ ભાવ વધારી દીધા છે.
ખાડીના વિવિધ દેશોમાં વસતા ભારતીયોની સુરક્ષા પણ ખતરામાં છે. વર્ષોથી વ્યવસાય માટે
સાઉદી કે દુબઈ કે અન્ય દેશમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારો ત્યાં અને તેમના સગાઓ અહીં
ફફડાટમાં જીવે છે. ભારતમાં સૌથી વધારે ડર તો મોંઘવારી અને મંદીનો છે. કોરોના સમયે જે
સ્થિતિ હતી તેવી ફરી ન થાય તો સારું તેવી પ્રાર્થનાઓ ચાલી રહી છે. પેટ્રોલ-ડીઝલ અને
ગેસના ભાવ વધવાથી મોંઘવારીનો વિસ્ફોટ થશે. ભારત યુદ્ધમાં ક્યાંય નથી છતાં નાગરિકોએ
સહન કરવું પડશે તેવી સ્થિતિ છે. ઈરાને કહ્યું તે ત્યાં વસતા નાગરિકો માટે કહ્યું છે
પરંતુ ત્યાં નથી વસી રહેલા તે નાગરિકો માટે પણ યુદ્ધ કપરી કસોટી સાબિત થઈ રહ્યું છે.
સૌ કોઈ એ જ ઈચ્છી રહ્યા છે કે ટ્રમ્પ પોતાની મિસાઈલો મ્યાન કરે અને ઈરાનને પણ સમજણ
પ્રગટે.