મુંબઈએ આપેલા 163ના પડકારને 18.1 ઓવરમાં પાર કર્યો : રિઝવીના 51 બોલમાં 90 રન
નવી
દિલ્હી, તા. 4 : આઈપીએલ 2026ના આઠમાં મેચમાં દિલ્હીનો સામનો મુંબઈ સાથે થયો હતો. દિલ્હીમાં
રમાયેલા આ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે છ વિકેટે જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને
જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને 18.1 ઓવરમાં મેળવી લીધો હતો. દિલ્હી કેપિટલ્સ
માટે રનચેઝમાં ઈમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ તોફાની 90 રન કર્યા હતા. દિલ્હીની સિઝનમાં
આ સતત બીજી જીત છે જ્યારે મુંબઈને પહેલી વખત હાર મળી છે.
રનચેઝમાં
દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી અને કેએલ રાહુલ માત્ર એક રને આઉટ થયો હતો. બાદમાં નીતીશ
રાણા શુન્યમાં રનઆઉટ થયો હતો. અહિંયાથી પથુમ નિસંકા અને ઈમ્પેક્ટ સબ સમીર રિઝવી વચ્ચે
ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. નિસંકાએ 30 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું
હતું. તેને મિચેલ સેન્ટનરે આઉટ કર્યો હતો. બાદમાં રિઝવી અને મિલર વચ્ચે ચોથી વિકેટ
માટે 78 રનની ભાગીદારી થઈ હતી અને મેચ એકતરફી બની ગયો હતો. સમીર રિઝવીએ 51 બોલમાં
7 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 90 રન કર્યા હતા જ્યારે મિલરે 18 બોલમાં 21 રન કરીને દિલ્હીને જીત અપાવી હતી.
આ અગાઉ
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈએ 6 વિકેટે 162 રન કર્યા હતા. મુંબઈએ પાવર પ્લેમાં
જ બે વિકેટ ગુમાવી દીધી હતી. રિયાન રિકલ્ટન અને તિલક વર્માને એક જ ઓવરમાં મુકેશ કુમારે
ચાલતા કર્યા હતા. બીજી તરફ રોહિત શર્માએ 35 રન કર્યા હતા. સુર્યકુમારે શાનદાર બેટિંગ
કરતા 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 36 બોલમાં 51 રન કર્યા હતા. આ ઉપરાંત નમન ધીરે
28 અને મિચેલ સેન્ટનરે 18 રન કર્યા હતા.