ઈઝરાયલ અને અમેરિકાએ નિશાન બનાવ્યા બે પેટ્રોકેમિકલ પ્લાન્ટ : ઈરાને બે અમેરિકી યુદ્ધવિમાન તોડી પાડયાનો દાવો કર્યો
ઈરાનને
ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ
નવી
દિલ્હી, તા.4: પશ્ચિમ એશિયાનું યુદ્ધ શમવાને બદલે વધુને વધુ ભડકવા લાગ્યું હોય તેવી
સ્થિતિ પેદા થઈ ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલે આજે દક્ષિણ ઈરાનનાં ખુઝેસ્તાન પ્રાંતમાં
બે પેટ્રોકેમિકલ પ્લાન્ટ ઉપર હુમલો બોલાવી દીધો હતો. બીજીબાજુ ઈરાન વધુ ઉશ્કેરાય તેવા
ઘટનાક્રમમાં બુશહર પરમાણુ કેન્દ્ર ઉપર પણ ફરીથી હુમલો કર્યો હતો. આમાં એક વ્યક્તિનું
મૃત્યુ પણ નીપજ્યું હતું.દરમિયાન યુએઈ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, ઈરાન તરફથી
23 બેલિસ્ટિક મિસાઈલ અને પ6 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતાં અને આ હુમલાને નિષ્ફળ બનાવી
દેવામાં આવ્યો હતો.
દરમિયાન
ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપ હતી કે જો 48 કલાકમાં ઈરાન સમજુતી નહીં કરે તો હવે અમેરીકા
તબાહી મચાવી દેશે.
લેબનોનમાં
ઈઝરાયલનું આક્રમણ પણ અધિક તીવ્ર બની રહ્યું છે. દક્ષિણ લેબનોનમાં જમીની આક્રમણ માટે
દબાણ વધારવા સાથે ઈઝરાયલે એક હોસ્પિટલને પણ નિશાન બનાવી હતી અને તેમાં 11 લોકો ઘવાયા
હતાં.
દરમિયાન
ઈરાને હવે અમેરિકાનાં બે યુદ્ધ વિમાનોને તોડી પાડયાનો દાવો કર્યો છે. ઈરાનનાં કહેવા
અનુસાર પહેલું લડાકૂ વિમાન બોયર-અહમદ પ્રાંતમાં અને બીજું ખાડીમાં ધ્વસ્ત કરી નાખવામાં
આવ્યું હતું. આ હુમલામાં અમેરિકાનાં બે પાયલટને ઉગારી લેવામાં આવ્યા હતાં અને એક હજી
પણ લાપતા છે. જે ઈરાનનાં કબ્જામાં હોવાની આશંકા છે. ઈરાને અમેરિકાનાં વિમાનોને ટાર્ગેટ
કરવા માટે નવી હવાઈ રક્ષા સિસ્ટમ તૈનાત કરી હોવાનું પણ જણાવ્યું હતું.
વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠનનાં અંદાજ પ્રમાણે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3300નાં મોત થયા છે અને
30 હજારથી વધુ ઘાયલ થયા છે. આ ઉપરાંત કુલ મળીને અંદાજે 43 લાખ જેટલા લોકોને હિજરત કરવી
પડી છે. સ્વાસ્થ્ય સુવિધાઓને નિશાન બનાવીને 116 જેટલા હુમલાઓ થયા છે.
ઈરાને
યાદ કર્યો ગુજરાત સાથે સદીઓ જૂનો નાતો
સ્ટ્રેટ
ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજ પસાર થઈ ગયા બાદ મુંબઈ સ્થિત ઈરાની દૂતાવાસે ભારત સાથેનાં
ઐતિહાસિક સંબંધોને યાદ કરતાં મિત્રતા અને સહયોગ વધારવાની વાત સોશિયલ મીડિયામાં લખી
હતી અને આમાં ગુજરાતનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં લખવામાં આવ્યું
હતું કે, ભારત અને વિશેષ કરીને ગુજરાતનું ઈરાનનાં ઈતિહાસમાં વિશેષ સ્થાન છે. સદીઓ પહેલા
અહીંનાં લોકોએ ઈરાનનાં લોકોનું સ્વાગત કર્યુ હતું.
ટ્રમ્પ
કરતા વધુ સુરક્ષિત અમારી કેદમાં : અમેરિકી પાયલટની માતાને ઈરાનનો સંદેશ
નવી
દિલ્હી, તા. 4 : ઈરાને અમેરિકાના બે યુદ્ધ વિમાન શુક્રવારે તોડી પાડયા હતા. જેમાં એક
એફ-15 જેટ અને બીજું એ-10 એટેક એરક્રાફ્ટ હતું. આ બનાવમાં એક પાયલટને બચાવી લેવાયો
છે જ્યારે અન્ય પાયલટ હજી પણ લાપતા છે. આ દરમિયાન લાપતા પાયલટની માતાએ સોશિયલ મીડિયામાં
એક ભાવુક સંદેશ શેર કર્યો હતો અને તેમાં પ્રાર્થના કરવા કહ્યું હતું કે તેનો પુત્ર
સુરક્ષિત રહે. પાયલટની માતાના સંદેશ ઉપર ઈરાનના પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સ્થિત
દૂતાવાસે જવાબ આપ્યો હતો. પાકિસ્તાનમાં ઈરાની દૂતાવાસે કહ્યું હતું કે, તમારો પુત્ર
ઈરાનની કેદમાં જેટલો સુરક્ષિત છે તેટલો જ જોખમમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે છે. દુવા કરો
કે તે ઈરાનની કેદમાં રહે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન કેદીઓ સાથે સન્માનથી વરતે
છે. બીજી તરફ ઈરાનના દક્ષિણ આફ્રિકન દૂતાવાસે કહ્યું હતું કે ઈરાનની સભ્યતા ખુબ જુની
છે અને કેદીઓ સાથે બર્બરતા કરતા નથી. અમેરિકા અને ઈઝરાયલ આવી બર્બરતા લોકો સાથે આચરે
છે.