• સોમવાર, 06 એપ્રિલ, 2026

મહુવા મોઈત્રા, જરા ઈતિહાસ તો જાણો

જે પ્રવચન પ્રભાવશાળી હોય તે પરિપક્વ અને સત્ય જ હોય તેવું નથી તે વાત ફરી એકવાર તૃણમૂલના સાંસદ મહુવા મોઈત્રાએ સાબિત કરી. અગાઉ તેમણે સંસદમાં પૂછેલા પ્રશ્નોએ તો ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા પરંતુ થોડા દિવસ પહેલાં તેમણે દેશની સ્વતંત્રતા લડાઈમાં ગુજરાતીઓના યોગદાન સંદર્ભે જે વાત કરી તે તદ્દન અધૂરી, માહિતીના અભાવ વાળી અને છીછરી હતી. શાળામાં ભણતા કોઈ બાળકને પણ હસવું આવે તેવી વાત એક સાંસદે કરી કે સ્વતંત્રતાની લડાઈમાં બંગાળ અને પંજાબ જ આગળ પડતાં હતા કોઈ ગુજરાતીએ કંઈ નોંધપાત્ર કર્યું નથી. મહુવા મોઈત્રાનું ઈતિહાસનું જ્ઞાન કેટલું-કેવું હશે તેની ધારણા કોઈ કરવા ધારે તો આ વિધાન ઉપરથી કરી શકે.

વતન કોલકોતામાં એક સંબોધનમાં મહુવા મોઈત્રાએ કહ્યું કે, ‘બંગાળી પ્રજાતિ ગૌરવાન્વિત સમુદાય છે. અમે અંગ્રેજો વિરુદ્ધની લડતનું નેતૃત્વ કરી ચૂક્યા છીએ, ગુજરાતીઓ તેમાં ક્યાં હતા?’  બંગાળી પ્રજા મહાન છે તે વાતમાં તો અસંમતિનો પ્રશ્ન નથી. બંગાળે દરે ક્ષેત્રમાં વિભૂતિની કક્ષાએ વ્યક્તિત્વ આપ્યાં. અધ્યાત્મમાં પરમહંસ રામકૃષ્ણ, મહર્ષિ અરવિંદ કે વિવેકાનંદ, સાહિત્યમાં રવીન્દ્રનાથ અને બંકિમચંદ્ર, સ્વતંત્રતા લડતમાં સુભાષબાબુ અને એવા અનેક નામો, પરંતુ આનો અર્થ એ નથી કે ગુજરાતીઓનું યોગદાન નથી અને સ્વતંત્રતા લડતમાં તો અગ્રીમ છે.

ગાંધીજીનું નામ જગબત્રિસીએ છે. ભારતની આઝાદીમાં તો તેમનું યોગદાન અનન્ય છે જ પરંતુ તેમના ચિંધેલા રસ્તે અન્ય દેશો પણ આઝાદ થયા. એક સ્વતંત્ર દેશ કેવો હોવો જોઈએ તેનું મૂળ તેમણે રોપ્યું. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહથી લઈને છેક 1942ની લડત સુધી ગાંધીજીએ જે કર્યું તેનો કોઈ જોટો ક્યાં મળે? સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહ, ખેડાની લડત કરીને અંગ્રેજોને ધ્રુજાવી દીધા હતા.

જો કે આના સિવાય તો અનેક નામ છે, વિરાટ કામ છે.  ગાંધીજીની સાથે રહેલા લોકોએ સાહિત્ય, શિક્ષણ, સમાજ સહિતના ક્ષેત્રે રચનાત્મક કાર્યો કર્યાં. સર્વોદય, અસ્પૃશ્યતા નિવારણ સહિતના કામો થયા. મહુવા મોઈત્રાને ખ્યાલ નહીં હોય કે શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા જેવા લોકોએ પરદેશની ધરતી ઉપરથી ભારતની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો. તેથીય પૂર્વે 1857ની પ્રથમ ક્રાંતિમાં પણ ગુજરાત હતું. ગુજરાતની જ ક્યાં વાત કરીએ? આપણે ફક્ત સૌરાષ્ટ્રને લઈએ તો અહીં પણ ઢેબરભાઈ, રતુભાઈ અદાણી, શામળદાસ ગાંધી, જયાબહેન શાહથી લઈને કેટલા નામો છે અને રાજકોટ સત્યાગ્રહ જેવી લડતોનો ઈતિહાસ છે. ગુજરાતના ગામેગામ ક્રાંતિની મશાલ પ્રગટી હતી. 

બંગાળ અને પંજાબનું મહત્વ જરા પણ ઓછું આંકી શકાય નહીં. પંજાબમાંથી પણ શુરવીરો પાક્યા. જલિયાંવાલાબાગની કરુણાંતિકા અને ભગતસિંહને દેશ કેમ વિસરે? પરંતુ ગુજરાતનું યોગદાન નહોતું તે વાત તદ્દન વાહિયાત છે. પ્રથમ તો એ કે રાષ્ટ્રની સ્વતંત્રતાની વાત છે તેને પ્રાંતોમાં વિભાજિત કરવાની હોય જ નહીં. દરેક પ્રદેશ-પ્રજાનું તે લડાઈમાં સમર્પણ હતું જ. મહુવા મોઈત્રા હોય કે કંગના રાણાવત કોઈ પણ વ્યક્તિ દેશની સ્વતંત્રતા માટે મનઘડંત વાત  કરે તે યોગ્ય નથી. આ દુ:ખદ છે, શરમજનક છે. સાંસદ તરીકે કંઈ પણ બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ. મોઈત્રાએ માફી માગી તો પણ વાત તો અયોગ્ય જ છે પરંતુ આપણા માટે તેનાથીય મહત્વનું એ છે કે કોઈ ગુજરાતી નેતાએ તેમને પડકાર્યા નથી. ગુજરાતના કોઈ રાજકીય પક્ષના સાંસદ, ધારાસભ્ય કોઈ સામાજિક અગ્રણીએ આનો વિરોધ કર્યો નથી. અસ્મિતાના ગાણા ગાતા ગુજરાતી કલાકારો-સર્જકોને, ઈન્સ્ટાગ્રામ ઉપર ઉપદેશોની લહાણી કરનાર ફિલોસોફરોને તો આવું કંઈ બન્યું તેની જાણ પણ નહીં હોય. તેમનો ગુજરાતપ્રેમ અલગ રીતે જ વ્યક્ત થાય છે પરંતુ કોઈ એટલું તો પૂછે કે મહુવાબહેન તમે ઈતિહાસ કેટલો જાણો છો?

ઇ-પેપરના નવા શુલ્ક