• શનિવાર, 04 એપ્રિલ, 2026

મુંબઇના બિગ હિટર્સ સામે દિલ્હીના બોલર્સની પરીક્ષા

નવી દિલ્હી તા.3: દિલ્હી કેપિટલ્સ શનિવારના પહેલા મેચમાં હોમ ગ્રાઉન્ડ પર આત્મવિશ્વાસથી ઓતપ્રોત મુંબઇ ઇન્ડિયન્સનો સામનો કરશે. બન્ને ટીમ તેમના અભિયાનની શરૂઆત જીત સાથે કરી ચૂકી છે. હવે જયારે મુંબઇનો સામનો કરશે ત્યારે દિલ્હી ટીમને તેના ટોપ ઓર્ડર બેટર્સ પાસેથી ઉમદા દેખાવની આશા રહેશે. જેઓ લખનઉ સાથે નિષ્ફળ રહ્યા હતા અને 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અનકેપ્ડ ખેલાડી અને ઇમ્પેકટ પ્લેયર સમીર રિઝવીએ ટ્રિસ્ટન સ્ટબ્સના સહયોગથી જીત અપાવી હતી.

દિલ્હી કેપિટલ્સે ગત સીઝનમાં ઇનિંગની શરૂઆત સારી થાય તે માટે સાત જોડી અજમાવી હતી. આ વખતે પણ આ સમસ્યા યથાવત જ છે. પૃથ્વી શો આક્રમક ઓપનર છે. જો કે તેને મુંબઇ સામે તક મળે છે કે નહીં તે નિશ્ચિત નથી. મુંબઇ સામેના મેચમાં પણ દિલ્હી માટે મિચેલ સ્ટાર્ક પસંદગી માટે ઉપલબ્ધ નથી. સ્ટાર્કની ગેરહાજરીમાં દિલ્હીની બોલિંગ લાઇનઅપમાં ધાર જોવા મળતી નથી. જો કે પાછલા મેચમાં એનગિડી અને નટરાજને સ્ટાર્કની ખોટ બખૂબી પૂરી કરી હતી અને 3-3 વિકેટ લીધી હતી. કપ્તાન અક્ષર પટેલ અને કુલદીપ યાદવ ટીમના સ્ટ્રાઇક બોલર છે.

દિલ્હીના બોલર્સ સામે એમઆઇના બિગ હિટર્સ જેવા કે રોહિત શર્મા, રિયાન રિકલટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડયા પર અંકુશ મુકવો પડકાર બની રહેશે. દિલ્હીના બેટર્સ માટે બુમરાહની 4 ઓવરનો સામનો કરવો કઠિન પરીક્ષા બની રહેશે. આ મેચ બપોરે 3-30થી રમવાનો છે. આથી ઝાકળના પ્રભાવની સમસ્યા રહેશે નહીં, આથી ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરી મોટો સ્કોર ખડકવાનો નિર્ણય લઇ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક