કેરળમાં ચૂંટણીસભામાં વડાપ્રધાનનો વિપક્ષો ઉપર હુમલો : પશ્ચિમ એશિયાનાં સંકટમાં નિવેદનબાજી સામે ધગધગતો પ્રહાર
નવીદિલ્હી,તા.4:
કેરળમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને આ ચૂંટણીજંગનાં પ્રચાર યુદ્ધમાં આજે પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ વિરોધ
પક્ષ કોંગ્રેસ, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ
(યુડીએફ) પર જોરદાર પ્રહાર કર્યા હતાં. મોદીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી
માત્ર ચૂંટણીના ફાયદા અને મને ગાળો આપવા માટે એક કરોડ પ્રવાસીઓની જિંદગી જોખમમાં મુકવા
તૈયાર છે.
પ્રધાનમંત્રીએ
કહ્યું કે, કોંગ્રેસની મંશા ખતરનાક છે. તેઓ ઈચ્છે છે કે પશ્ચિમ એશિયાના દેશો ભારતને
પોતાનો દુશ્મન માને. કોંગ્રેસ ઈચ્છે છે કે આપણે અહીં એવી કોઈ ભૂલ કરીએ અથવા કોઈ એવું
નિવેદન આપીએ, જેના કારણે ખાડી દેશોમાં રહેતા આપણા ભારતીય ભાઈ-બહેનો પર મોટી મુશ્કેલી
આવી જાય. મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું કે કોંગ્રેસ જાણીજોઈને ખાડી દેશોને નારાજ કરનારા
નિવેદનો આપી રહી છે, જેથી દેશમાં ડરનું વાતાવરણ સર્જાય અને તેમને કેન્દ્ર સરકારની ટીકા
કરવાનો મોકો મળે.
પ્રધાનમંત્રીએ
વિરોધીઓને કડક સંદેશ આપતાં કહ્યું કે હું કોંગ્રેસ અને એલડીએફના લોકોને સ્પષ્ટ કહી
દેવા માગું છું કે રાજકારણ પોતાની જગ્યાએ છે અને ચૂંટણી આવતી-જતી રહેવાની છે. મારા
માટે કેરળના લાખો લોકો, જે ત્યાં કામ કરી રહ્યા છે, તેમની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા
છે અને હું તેના માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.
પ્રધાનમંત્રીએ
કેરળની સંસ્કૃતિ પર થઈ રહેલા હુમલાઓ અંગે પણ વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે
કહ્યું કે ડાબેરી અને કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનું સીધું નિશાન કેરળની મહાન
સંસ્કૃતિ અને આસ્થા પર છે. તેમણે કહ્યું કે પહેલાં આ લોકોએ સબરીમાલા તીર્થને બદનામ
કરવાની સાજિશ રચી હતી અને હવે એ તેમની લૂંટનો અડ્ડો બની ગયું છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો
કે સબરીમાલામાં જે કંઈ થયું તે એક વિચારી-સમજીને રચાયેલી સાજિશનો ભાગ હતું. તેમણે કહ્યું
કે આ ચોરી એલડીએફ સરકાર દરમિયાન થઈ હતી અને તેના તાર કોંગ્રેસના ટોચના નેતાઓ સુધી પહોંચે
છે. આ જ કારણે તપાસ સીબીઆઈને સોંપવામાં આવતી
નથી.