• રવિવાર, 05 એપ્રિલ, 2026

ધગધગતો નહીં, થરથરતો ઉનાળો! આ કાશ્મીર નહીં, રાજસ્થાન છે...

કેદારનાથમાં હિમવર્ષા : અટલ ટનલ બંધ : રાજસ્થાનમાં કરાં પડયા, અનેક રાજ્યોમાં આંધી-તોફાન

નવીદિલ્હી,તા.4: ઉનાળો કાળઝાળ બનવાને બદલે દેશનાં ઉત્તર અને પશ્ચિમી રાજ્યોમાં હવામાન પલટો લઈને આવ્યો છે. કેદારનાથમાં આજે ભારતે હિમવર્ષાનાં કારણે પહાડીઓ હિમચાદરથી ઢંકાઈ ગઈ હતી. રોહતાંગ પાસે નજીક પણ ભારે હિમપાતનાં કારણે અટલ ટનલ બંધ કરી નાખવી પડી હતી. બીજીબાજુ લાહોલ સ્પીતિની ગગનચુંબી પહાડીઓમાં પણ ભારે હિમવર્ષા જારી છે. હિમાચલની રાજધાની શિમલામાં પણ આજે તોફાની પવન સાથે હળવો વરસાદ નોંધાયો હતો.રાજસ્થાનનાં રેતાળ જિલ્લા જૈસલમેર-બીકાનેરમાં પણ આજે ભારે કરા વરસ્યા હતાં. અજમેર-બ્યાવરમાં આંધીએ અનેક વૃક્ષોને ધરાશાયી કરી નાખ્યા હતાં અને છાપરાં ઉડાડી નાખ્યા હતાં. હજી આગામી ત્રણ દિવસ સુધી હવામાન આવું જ ખરાબ રહેવાની સંભાવના છે.

ઉત્તરપ્રદેશની કોસીકલા અનાજ મંડીમાં આશરે 10 હજાર જેટલા કોથળાંમાં ભરેલા પ હજાર ક્વિંટલ ઘઉં પલળી ગયા હતાં. આ સિવાય રાજ્યમાં કેટલાક સ્થાને વીજળી પડવાની ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ પણ નીપજ્યા હતાં. દિલ્હી, પંજાબ સહિત કુલ 11 રાજ્યોમાં હજી પણ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપેલું છે. મધ્યપ્રદેશમાં શુક્રવારે 36 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો અને હજી પણ ત્યાં કરાં પડવાની સંભાવના છે. કર્ણાટક, તામિલનાડુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં તોફાની પવન ફૂંકાયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક