અમેરિકાને ફરીથી મહાન બનાવવાના સૂત્ર-વચનના આધારે બીજી વખત પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હિંસાખોરી વધી રહી છે. અલબત્ત, અગાઉ એમના પરાજય પછી વૉશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ઉપર ટ્રમ્પના ટેકેદારોએ જે આક્રમણ કરીને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું તે દૃશ્યો અત્યારે પણ અમેરિકન નાગરિકોની આંખમાં - અને દિલમાં ખૂંચતાં હશે. રાજકીય હિંસાચારને ઊગતી ડામવાને બદલે ટ્રમ્પે પ્રોત્સાહિત કરી હતી અને અમેરિકાના સભ્ય સમાજે પણ માફ કરવાની ભૂલ કરી હતી તેના ફળ હવે મળી રહ્યા છે!
ડોનાલ્ડ
ટ્રમ્પ ઉપર નિષ્ફળ હુમલો આ બીજી વખત થયો છે પણ અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખોની હત્યા
ઉપરાંત આવા હુમલા ત્રીસ વખત થયા છે. ગન-કલ્ચરનો ભોગ સ્કૂલોમાં બાળકો અને વિદ્યાર્થીઓ
તો અવારનવાર બને છે. છેલ્લાં બે વર્ષમાં ત્રીજી વખત હુમલામાં બચી ગયેલા પ્રમુખ ટ્રમ્પ
ઈશ્વરનો આભાર માને તે સમજી શકાય છે પણ હવે એમને ભાન થયું છે, રાજકીય જ્ઞાન લાદ્યું
છે કે ‘આ ધંધો-વ્યવસાય ખતરનાક છે’!
પણ
પ્રેસિડન્ટ બનવું અને શાસનતંત્રમાં સત્તા ભોગવવી ખતરનાક છે એમ કહેવા પહેલાં એમણે ખતરનાક
બનવાનાં કારણો તપાસવા જોઈએ. આત્મમંથન કરવું જોઈએ. અમેરિકામાં ટેક્ષાસ કલ્ચર જાણીતું
છે પણ તે વૉશિંગ્ટન પહોંચે તેની ચિંતા હોવી જોઈએ. સલામતી એજન્સીઓ કેમ કાચી પછી? નિષ્ફળ
ગઈ? હત્યાના ઇરાદાથી આવેલો શખસ શત્રો સાથે છેક મુખ્ય સભાગારમાં કેવી રીતે પહોંચ્યો
અને તેને જીવતો પકડયા પછી વિગતવાર તપાસ અને અહેવાલ આવશે, પણ હિંસાખોરીનો અંત આવવાની
આશા છે ખરી? ટ્રમ્પે હુમલાખોરને ‘પાગલ’ કહ્યો છે પણ છેલ્લા મહિનાઓ દરમિયાન ઈરાન સાથેના
યુદ્ધમાં અને ટેરિફ આક્રમણ કરતી વખતે ટ્રમ્પનાં દરેક નિવેદન અને પગલાં કેવાં હતાં?
ઈરાન જ નહીં, સમગ્ર વિશ્વમાં અર્થતંત્ર બેહાલ થાય અને વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાઈ જાય
એવી સ્થિતિ ભૂલવી આસાન નથી! અને આવી સ્થિતિમાં અમેરિકા પણ બાકાત નથી. સમય અને સંજોગોની
અસર સામાન્ય માણસોના દિલોદિમાગ ઉપર પડયા વિના રહે નહીં.
અમેરિકાની
સમૃદ્ધિ રાજકીય અને સામાજિક અશાંતિને ઢાંકી શકે એમ નથી. અમેરિકાને ફરીથી મહાન બનાવવાના
વચન પાલન માટે ટ્રમ્પે આશ્રિતો અને વસાહતીઓને નિશાના ઉપર લીધા પરિણામે સમાજમાં તિરસ્કારની
ભાવના સાથે હિંસાચાર શરૂ થયો. અમેરિકા વિશ્વમાં યુદ્ધનીતિને તિલાંજલિ આપશે એવું વચન
ભુલાયું તેનો આંચકો અમેરિકાને મહાન બનાવવા માગતા વર્ગને લાગ્યો. મતભેદ વધ્યા. ઊર્જા
પેટ્રોલ - ગૅસ મોંઘાં થયાં - મોંઘવારીનો સ્વાદ, અનુભવ થયો. સામાન્ય નાગરિકોમાં પણ ગુસ્સો
અને હિંસાચાર સામાન્ય બન્યો! વૈચારિક ધ્રુવીકરણની અસર રાજકારણ ઉપર પડી છે.
રાજકીય
હવામાન દૂષિત થાય તેની અસર જનમાનસ ઉપર પડે છે. ટ્રમ્પ ઉપરના હુમલા પછી સોશિયલ મીડિયામાં
હુમલાને નાટક, તમાશો લેખાવતા સંદેશા વાયરલ થયા અને ટ્રમ્પના ટીકાકારોના પ્રત્યાઘાત
હતા કે ઈરાનની તંગદિલીથી લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવાનો પ્રયાસ છે. આવી જ રીતે ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં ભોજન સમારંભ માટે ફેરફાર કરવા માગતા હતા પણ જંગી ખર્ચ અને આવી જરૂર
શી છે? એવી ટીકા હતી - તેથી મંજૂરી મળતી ન હતી. હવે ગોળીબાર - હુમલાની ઘટનાથી એમનો
માર્ગ સરળ બન્યો છે! કહે છે હવે આલિશાન ખાનગી હૉટેલના બદલે પત્રકારોને વ્હાઇટ હાઉસમાં
ભોજન કરાવીશું!
ગમે
તેમ પણ ટ્રમ્પ બચી ગયા તે બદલ ઈશ્વરનો આભાર માન્યો છે: ઈશ્વરની કૃપા સાથે એમણે વિશ્વમાં
શાંતિ અને સલામતીની ખાતરી આપવાની જરૂર છે.