વૈશ્વિક અર્થતંત્ર અત્યારે જાણે પડ્યા પર પાટું જેવી સ્થિતિમાં છે. એક બાજુ યુદ્ધના પડછાયા ઘેરા બની રહ્યા છે, તો બીજી બાજુ વેપાર આડેના નવા અવરોધો અને સપ્લાય ચેઈનની અનિશ્ચિતતાએ દુનિયાભરના દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ હવે માત્ર સીમાઓ પૂરતો સીમિત નથી રહ્યો, પણ તેણે તેલના ભાવ અને સમુદ્રી માર્ગો વાટે આખા વિશ્વના આર્થિક પાયા હચમચાવી નાખ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ આપણી રિઝર્વ બેંક અને ગવર્નર સંજય મલ્હોત્રા જે આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે, તે ખરેખર ભારત માટે આશાનું કિરણ છે. દુનિયાના કેટલાય દેશો અત્યારે મોંઘા ઈંધણ સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ભારત એક સુખદ અપવાદ છે. છેલ્લાં ચાર વર્ષમાં આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ તાતિંગ વધારો થયો નથી. સરકારે ટેક્સમાં કાપ મૂક્યો અને તેલ કંપનીઓએ પણ નુકસાન વેઠીને સામાન્ય માણસને વૈશ્વિક આંચકાથી બચાવ્યો છે. આરબીઆઈનું ગણિત સ્પષ્ટ છે: અત્યારે ભલે વૈશ્વિક મોરચે ’ગરમાવો’ હોય, પણ સેન્ટ્રલ બેંક માને છે કે આ સંઘર્ષ થોડા મહિનામાં શાંત થઈ જશે અને ખોરવાયેલી સપ્લાય ચેઈન ફરી પાટા પર ચઢી જશે. સૌથી રાહતની વાત એ છે કે અત્યારે મોંઘવારી વધવાના ડરથી બજારમાં કોઈ ગભરાટ દેખાતો નથી. આરબીઆઈ પાસે ફુગાવાને સહન કરવાની જે નિશ્ચિત મર્યાદા છે, તે એક મજબૂત ઢાલ જેવું કામ કરે છે, જે વારંવાર વ્યાજ દરો બદલીને બજારમાં અસ્થિરતા લાવતા અટકાવે છે. ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તા અને અન્ય સભ્યોનું માનવું છે કે વર્ષ 2026-27માં આપણો વિકાસ દર 6.9 ટકાની આસપાસ રહેશે. જોકે, પડકાર મોંઘવારીનો છે, જે 4.6 ટકા રહેવાનો અંદાજ છે. ગવર્નર મલ્હોત્રાએ બહુ સચોટ વાત કરી છે કે અત્યારે આપણને ’સપ્લાય શોક’ લાગ્યો છે, એટલે કે માલસામાન પહોંચવામાં તકલીફ છે, પણ માગમાં કોઈ ઘટાડો નથી. અત્યારે વ્યાજ દરો ઘટાડવા એટલે બળતામાં ઘી હોમવા જેવું થાય, જે મોંઘવારી વધારી શકે. એટલે જ સમયસરની નિક્રિયતા અથવા રાહ જુઓ અને જુઓની નીતિ અત્યારે સૌથી ડહાપણભર્યો માર્ગ છે. જોકે, આપણે રંગીન સપનાંઓમાં રાચવાની જરૂર નથી. આરબીઆઈએ પોતે કબૂલ્યું છે કે બધું જ ગુલાબી નથી. પોર્ટ કાર્ગો અને મેન્યુફેક્ચારિંગમાં થોડી મંદી દેખાય છે. એપ્રિલમાં ભાવ વધશે એવા ડરે લોકોએ જે ’પેનિક બાયિંગ’ કર્યું તેનાથી તેલના વેચાણમાં 13 ટકાનો ઉછાળો આવ્યો, જે બજારની ગભરાટ દર્શાવે છે. ટૂંકમાં, અત્યારે વૈશ્વિક આર્થિક સમીકરણો બદલાઈ રહ્યાં છે છતાં ભારત પોતાની મજબૂત માગ અને સ્થિર નીતિને કારણે ’સ્વીટ સ્પોટ’ પર છે. રોકાણકારો અને સામાન્ય જનતા માટે આ એક જ સંદેશ છે: આકાશમાં ભલે અનિશ્ચિતતાનાં વાદળો હોય, પણ ભારતનું આર્થિક સુકાન સલામત હાથોમાં છે. આપણી તાકાત આપણી સંસ્થાઓની સ્વાયત્તતા અને નીતિમાં છે. ભારત હવે માત્ર આંચકા સહન કરતું નથી, પણ આ આપત્તિને અવસરમાં બદલીને આગળ વધવા તૈયાર છે. અનિશ્ચિતતાનાં વાદળો વચ્ચે પણ ભારતની આર્થિક ક્ષિતિજ પર આશાનો સૂરજ પ્રકાશી રહ્યો છે અને આરબીઆઈની આ સતર્કતા જ આપણા ઉજ્જવળ ભવિષ્યની સૌથી મોટી ગેરંટી છે.