એકાદ પખવાડિયા પહેલાં જે બાબત શક્યતા તરીકે જોવાતી હતી તે આજે વાસ્તવિકતા બની ગઈ છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા, યુવાનો માટે રાજકીય ક્ષેત્રે એક આકર્ષક ચહેરો કહી શકાય તે રાઘવ ચઢ્ઢા આખરે આપ છોડીને ભાજપની છાવણીમાં જતા રહ્યા છે. અન્ય સાત સાંસદોએ પણ આપનો સાથ છોડયો છે. જ્યારે કોઈ સદસ્ય, નેતા કે કાર્યકર્તા પક્ષ છોડે ત્યારે પક્ષના નેતા અને નીતિઓ વિશે ઘસાતું બોલે તે સહજ છે પરંતુ આમ આદમી પાર્ટીમાંથી જે રીતે નેતાઓ અન્ય પક્ષમાં જઈ રહ્યા છે તે જોતાં આ પક્ષે હવે મનોમંથન કરવાની જરૂર છે. એક તો ભાજપ અને કોંગ્રેસ બન્ને કરતાં પક્ષનું ફલક નાનું એમાં પણ જો સમયાંતરે આવી ઊલટફેર થાય તો પક્ષનું અસ્તિત્વ જોખમમાં આવી શકે.
દેશના
વાતાવરણમાં વધી રહેલી ગરમીની સાથે રાજકીય મોરચે પણ ગરમી છે. બંગાળમાં થયેલા જંગી મતદાનનો
ફાયદો કોને થશે તેના ઉપર ચર્ચા ચાલી છે. સત્તાપરિવર્તન થશે કે મમતા બેનર્જી પુન: શાસક
બનશે તે પ્રશ્ન સર્વત્ર છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છેલ્લા દિવસોમાં જામ્યો, પક્ષપલટાઓ
થયા, ઉમેદવારો બિનહરીફ થયા છે. આ સ્થિતિમાં દિલ્હી હોટસ્પોટ બન્યું છે. રાઘવ ચઢ્ઢા,
સંદીપ પાઠક, અશોક મિત્તલ સહિત રાજ્યસભાના સાત સાંસદોએ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં
પોતે જોડાતા હોવાની જાહેરાત કરી દીધી. આપને આ ઘણું મોટું નુકસાન છે.
રાઘવે
અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આક્ષેપ કરતાં કહ્યું કે પક્ષ હવે તેના મૂળ સિદ્ધાંતોથી ભટકી
ગયો છે, રાષ્ટ્રહિતને બદલે હવે વ્યક્તિહિત સધાઈ રહ્યું છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીની
ક્ષમતાની બે તૃતિયાંશથી વધારે કહી શકાય તેવા સાત સાંસદ ભાજપમાં ગયા છે તેનાથી સ્પષ્ટ
છે કે આપને નબળો પાડવામાં ભાજપ સફળ રહ્યો છે. કોઈ કાર્યકર્તા પાર્ટી છોડીને જાય અને
સિનિયિર આગેવાનો પક્ષ છોડે તે સ્થિતિમાં ફેર છે. આવા અગ્રપંક્તિના નેતા પક્ષ છોડીને
જઈ રહ્યા છે, આપ માટે આ રાજકીય સંકટની ઘંટડી છે, લાલબત્તી છે. રાજ્યસભામાં તો પક્ષ
નબળો પડયો જ,જો ધ્યાન નહીં રાખે તો આમ આદમી પાર્ટીના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થઈ શકે.
આ ફક્ત
રાજ્યસભા કે દિલ્હીની વાત નથી. જેમણે આપ સાથે છેડો ફાડયો તે સાંસદો પંજાબના છે. વિધાનસભાની
પંજાબ ચૂંટણી ઉપર પણ આ ઘટનાની અસર થાય. સૌથી અગત્યની વાત તો એ છે કે બે તૃતિયાંશ સદસ્યો
ભાજપમાં જઈ રહ્યા છે તેથી પક્ષાંતર ધારો તેમને લાગુ નહીં પડે અને તેઓ ભાજપમાં વિલય
થશે. સ્વાભાવિક રીતે આપ આ ઘટનાને દગાખોરી કહી રહ્યો છે. વિપક્ષી સંગઠન ઈન્ડિયાને પણ
આ એક મોટો ધક્કો છે. 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે 8 ધારાસભ્યોએ પક્ષ છોડયો
હતો. મે 2025માં 15 કોર્પોરેટર્સ પક્ષ છોડીને ગયા અને ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીની
સ્થાપના કરી. દિલ્હીના વરિષ્ટ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે ગયા વર્ષે પક્ષ મૂક્યો હતો.
છેલ્લા એક વર્ષમાં 8 ધારાસભ્યો, 15 કોર્પોરેટર્સ અને હવે રાજ્યસભાના સાત સાંસદોએ પક્ષ
છોડી દીધો છે. દેશના બે રાજ્યોમાં જ હજી આપનું આટલા વર્ષે વર્ચસ છે. જો ખરેખર તેના
સ્થાપકો-નેતાઓની ઈચ્છા પક્ષ ચલાવવાની હોય, જો આ મૌલિક રાજકીય પક્ષ હોય તો હવે મોડું
કરવું જોઈએ નહીં અને મંથન શરૂ કરવું જોઈએ. કાળક્રમે વિલીન જ થવાની ગણતરી હોય તો હજી
ચૂંટણી તો ઘણી આવશે.