• મંગળવાર, 28 એપ્રિલ, 2026

આકાશમાંથી અગ્નિવર્ષા

ગુજરાતના ચાર શહેરમાં રવિવાર ખરા અર્થમાં રવિ વાર રહ્યો હતો. ગરમીનો પારો 44 ડિગ્રીને પાર હતો. આ સ્થિતિ સોમવારે પણ હતી. સાંજે સાત વાગ્યા પછી પણ શહેરના રસ્તાઓ ઉપર લૂ વરસતી હોવાનો અનુભવ પ્રજાને થયો છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં સ્થિતિ આ છે. એપ્રિલનો હજી તો અંત છે ત્યારે આ સ્થિતિ છે. મે-જૂન બાકી છે. અમદાવાદ, અમરેલી, રાજકોટમાં પારાવાર ગરમી વરસી રહી છે. ભારતમાં આ વર્ષે ઋતુનો મિજાજ અત્યંત બદલાયો છે. વિશ્વના 100 અતિ ગરમ શહેરમાં ભારતના 98 શહેર છે. ઉત્તર ભારત તાવડો હોય તેવી હાલત છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન પણ આ પ્રકોપ વેઠી રહ્યા છે.

પ્રશાસન ગરમીથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરે છે. વૃદ્ધો હજીય ઘરમાં રહી શકે પરંતુ વ્યવસાય કરનારા લોકો માટે તેનું પાલન કરવું એટલે કે બપોરે બાર થી ચાર વચ્ચે ઘરની બહાર ન નીકળવું શક્ય હોતું નથી. ગુજરાત,  છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તાપમાન ક્યાંક તો 47 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના 60 જિલ્લામાં રેડ એલર્ટ છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં શાળા બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં જો કે વેકેશન છે એટલી રાહત છે. ગરમીને લીધે માણસોના મૃત્યુ થઈ રહ્યાં છે. મધ્યભારત તો બરાબર પરંતુ હિમાલય ક્ષેત્ર એવા હિમાચલ પ્રદેશમાં પણ ભયાનક ગરમી છે. મેદાની વિસ્તારમાં લોકો ગરમીથી પરેશાન છે. કુલ્લુ, મંડી, સોલન જેવા પર્વતીય વિસ્તારમાં પણ હીટવેવનું યલો એલર્ટ છે. આ સ્થિતિ અત્યંત વિચિત્ર છે. ગુજરાતમાં પારો 45 ડિગ્રી થવાની શક્યતા છે.

ગરમીના કારણો ચર્ચાનો આમ અર્થ નથી. ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષો છેદન જેવી સમસ્યાઓ છે. આની ફક્ત વાત થાય છે. ઉકેલ માટેના પ્રયાસ ક્યાં, ગરમીની અસરથી બચવા માટે પાણી, ઓઆરએસ જેવા ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે. આખરે ગરમી કે વધુ પડતો વરસાદ એ બધું જ કુદરતને આધીન છે. માણસ તો તેનાથી બચવાના પ્રયાસ કરી શકે. હવામાનને દૂષિત થતું તે અટકાવી શકે પરંતુ જે સ્થિતિ ઉભી  થઈ જ ગઈ છે તેમાં વિશેષ તો શું થાય? ભૌતિક સગવડો, વિકાસ  કહીએ છીએ તેવા પુલના બાંધકામ અને ટનલ્સના નિર્માણ વિવેકબુદ્ધથી કરીએ, શહેરી વનીકરણ કાગળ ઉપર નહીં, જમીન ઉપર થાય તો રાહત મળી શકે. અત્યારે તો આકાશ આગ વરસાવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક