• શનિવાર, 25 એપ્રિલ, 2026

અભિનંદનના અધિકારી મતદારો

પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં મતદારોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવીને મતદાન કર્યું છે તેના આંકડાથી રાજકીય પક્ષો ખુશી વ્યક્ત કરી રહ્યા છે પણ સાચી ખુશી અને સંતોષ તો ચૂંટણી પંચને મળે છે. આભાર અને અભિનંદનના અધિકારી પંચ અને તેના કાર્યકરો છે. ચૂંટણી પહેલાં પંચે મતદાર યાદીઓની ચકાસણી શરૂ કરી ત્યારે વિપક્ષોએ પંચનાં માથાં ઉપર માછલાં ધોયાં હતાં. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો પત્રકારો સમક્ષ ‘બૉમ્બ’ ધડાકા કરવાની જાહેરાત કરી હતી. મતદાર યાદીમાં સુધારાના નામે બગાડા - કાપકૂપ કરવાના આક્ષેપ થયા હતા પણ હવે મતદાનના આંકડા જોઈને નેતાઓ આભા થઈ ગયા છે!

બંગાળમાં લગભગ 27 લાખ નામ કપાયાં, યાદીમાંથી રદ થયાં છે. જૂની યાદીમાં 7.6 કરોડ નામ હતાં તે હવે ઘટીને 6.8 કરોડ થયાં છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ‘વોટ બૅન્ક’ લૂંટાઈ ગઈ હોવા છતાં તેઓ કહે છે કે ચૂંટણી પંચની કાર્યવાહીના વિરોધમાં મતદારોએ ભારે મત આપ્યા છે. આ મતદાન પરિવર્તન માટે નહીં, પુનરાવર્તન માટે છે એમ તેઓ કહે છે!

તામિલનાડુમાં પણ 85 ટકા મતદાન થયું છે. 2021માં 73.6 ટકા મત પડયા હતા. આ વખતે 57 લાખ નામ કપાયાં પછી મતદારોની સંખ્યા 6.3 કરોડથી ઘટીને 5.7 કરોડ થઈ ગઈ છે. આમ છતાં મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા તે પંચની કાર્યવાહીની સફળતા દર્શાવે છે. પંચ ઉપરાંત બંને રાજ્યોના મતદારોને પણ સલામ કરવી ઘટે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિરોધ પક્ષો ભારતના સંવિધાન, ન્યાયતંત્ર તથા શાસન તંત્રની ટીકા કરીને આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે મતદારોએ ભારતના લોકતંત્રમાં અતૂટ - અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કરીને મતપેટીઓ ઉપર વોટનો વરસાદ વરસાવ્યો છે જાણે સુનામી આવી હોય! આટલું જબરદસ્ત મતદાન થવાની કલ્પના પંચે પણ કરી નહીં હોય. હવે મતદાનના બીજા તબક્કામાં પણ ભારે સંખ્યામાં મતદારો ઉમટી પડશે એવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરી શકાય.

તામિલનાડુમાં પણ મતદારોએ જાણે બંગાળ પાસેથી પ્રેરણા મેળવી હોય કે પછી સ્પર્ધામાં ઉતર્યા હોય એવી છાપ પડી છે.

હિંસક ઘટનાઓ છતાં પંચે કાર્યવાહી સંતોષપૂર્વક પાર પાડી છે. કેટલાક વિસ્તારોમાં મોટરસાઇકલો ઉપર કામચલાઉ પ્રતિબંધ મુકાયો હોવાથી કોલકાતામાં હાઈ કોર્ટે પંચને ઠપકો આપ્યો છે અને વધુપડતી ટીકા કરી છે તે યોગ્ય નથી. ‘પંચે પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કર્યો છે અને જાણે ઇમર્જન્સી જાહેર કરી છે’ એમ કહ્યું છે પણ જો નિયંત્રણ મુકાય નહીં તો હિંસાખોરી વ્યાપક અને બેફામ થઈ હોત - નામદાર જજ સાહેબે આ શક્યતાનો વિચાર કરીને પંચની ટીકા કરવામાં સંયમ જાળવવાની જરૂર હતી - બંગાળના ભદ્ર સમાજની પણ આવી જ લાગણી હશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક