ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર મંદી અને વધતા ડીઝલ ભાવનો ડબલ મારનો રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનો આક્ષેપ : MSME ઉદ્યોગોમાં પણ રો-મટીરિયલ સપ્લાય ખોરવાતા ઉત્પાદન પર અસર
પોરબંદરમાં
ડીઝલ અછતથી કચરા કલેકશન ખોરવાયું
રાજકોટ,
તા.21 : ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ઊભેલા સંકટની સીધી અસર હવે ગુજરાતમાં
સ્પષ્ટ દેખાવા લાગી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ડીઝલની અછત સર્જાતા
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, ખેતી અને સામાન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ટ્રાન્સપોર્ટરો
અને પેટ્રોલ પંપ સંચાલકો ડીઝલના અભાવનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે વહીવટી તંત્ર પૂરતો
પુરવઠો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યું છે. વિરોધાભાસી દાવાઓ વચ્ચે લોકોમાં ચિંતા અને
મૂંઝવણ વધી રહી છે.
સૌરાષ્ટ્ર
અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ટ્રકોને માત્ર 50થી 100 લિટર ડીઝલ આપવામાં
આવતાં ટ્રાન્સપોર્ટરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તામાં આગળ ડીઝલ મળશે કે નહીં
તેની અનિશ્ચિતતા હોવાથી નવા ભાડા અને ટ્રિપ સ્વીકારવામાં પણ ડર લાગી રહ્યો છે. રાજકોટ
ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હસુભાઈ ભગદેવના જણાવ્યા મુજબ રાજકોટમાં લગભગ 50 ટકા
કોમર્શિયલ વાહનોના પૈડા થંભી ગયા છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર મંદી અને વધતા ડીઝલ ભાવનો
ડબલ માર પડી રહ્યો છે. બીજી તરફ એમએસએમઈ ઉદ્યોગોમાં પણ રો-મટીરિયલ સપ્લાય ખોરવાતા ઉત્પાદન
પર અસર જોવા મળી રહી છે.
પોરબંદર
શહેર અને જિલ્લામાં ડીઝલની અછત ગંભીર બનતા અનેક પેટ્રોલપંપો ઉપર લાંબી લાઇનો લાગી છે.
તેની સીધી અસર મનપાની ડોર-ટુ-ડોર કચરા કલેકશનની કામગીરી ઉપર પડી છે. વોર્ડ નં. 3ના
સીતારામનગર, ધરમપુર, વનાણા સહિતના વિસ્તારોમાં કચરા વાહનો પહોંચી શકતા નથી. હનુમાનગઢ
અને રાતડી ગામોમાં પણ મધરાત સુધી લોકો ડીઝલ માટે લાઇનમાં ઉભા રહ્યા હતા. નાગરિકોમાં
સરકાર સામે રોષ ફેલાયો છે.
ધારી
શહેરમાં વહેલી સવારથી જ વાહન ચાલકો અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ચોમાસા
પૂર્વે ખેતીની તૈયારીઓ વચ્ચે ખેડૂતો માટે ડીઝલ મેળવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોમાં
ડીઝલ મેળવવા માટે ભારે ધક્કા-મૂકીના દૃશ્યો પણ સામે આવ્યા છે.
તાલાલા
તાલુકામાં ડીઝલ અછતથી ખેડૂતો પરેશાન બન્યા છે. મીની ટ્રેક્ટર, સનેડો જેવા નાના કૃષિ
વાહનોને પેટ્રોલપંપ સુધી લાવવામાં મુશ્કેલી થતાં કિસાન આગેવાનો સંજયભાઈ શિંગાળા અને
પ્રવીણ છોડવડિયાએ મામલતદારને રજૂઆત કરી નાના વાહનો માટે કેરબામાં ડીઝલ આપવા માગ કરી
છે.
-------------
8-10
દિવસથી ગાડી લખાવવા છતાં ડિઝલ મળતું નથી : પેટ્રોલપંપ સંચાલક
ગોંડલ
શહેર અને પંથકમાં ડીઝલની ભારે અછત સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના
અનેક પેટ્રોલ પંપ પર ‘િડઝલ નથી’ના બોર્ડ લગાવવામાં આવતા ટ્રક, કાર અને ખેતીના વાહનચાલકોને
ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પેટ્રોલ પંપ
સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા આઠથી દસ દિવસથી કંપની પાસે માંગણી કરવા છતાં પૂરતો જથ્થો
મળી રહ્યો નથી. હાલ ખેતીની સિઝન શરૂ થતા ડિઝલની માગ વધી છે, પરંતુ પુરવઠો ખૂબ ઓછો મળતા
સ્થિતિ ગંભીર બની છે. ડિઝલ અછત વચ્ચે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો મનમાની કરતા હોવાના
આક્ષેપો પણ સામે આવ્યા છે. નગરપાલિકા સભ્ય ધર્મેશ પીપળીયા ઘોઘાવદર રોડ પર આવેલા પેટ્રોલ
પંપ પર ડિઝલ ભરાવવા ગયા હતા ત્યારે તેમને ‘ડીઝલ નથી’ એવું કહેવામાં આવ્યું હતું. જોકે
ત્યાં નાના ટેન્કરમાં ડીઝલ ભરાતું જોવા મળતાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો
સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો છે.