• શુક્રવાર, 22 મે, 2026

60 દિવસમાં નવી નોકરી શોધો નહીંતર અમેરિકા છોડો

મોટી કંપનીઓની છટણીમાં નોકરી ગુમાવનાર H-1B વિઝાધારક ભારતીય ટેક પ્રોફેશ્નલોની હાલત કફોડી

નવી દિલ્હી, તા.21: અમેરિકાનાં ટેકનોલોજી ક્ષેત્રમાં શરૂ થયેલી છટણીની લહેરથી ત્યાં વસતા હજારો ભારતીય એન્જીનીયરો અને સોફ્ટવેર ડેવલપર્સની જીંદગીમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. જે લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે અને નોકરી ગુમાવી દીધી છે તેમનાં માટે તો અમેરિકા છોડવાની અવળી ગણતરી શરૂ થઈ ગયા જેવો ઘાટ ઘડાયો છે કારણ કે અમેરિકામાં કામ કરતાં મોટાભાગનાં ભારતીય ટેક વ્યવસાયિકો એચ-વનબી વિઝા ધરાવે છે અને આ વિઝા સીધા કંપની સાથે જોડાયેલા હોય છે. નિયમ અનુસાર તેમને નોકરી છોડયાનાં 60 દિવસમાં જ નવી નોકરી શોધી લેવી પડે છે અથવા તો અલગ શ્રેણીનાં વિઝા મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવી પડે છે. જો આવું ન થાય તો તેમને અમેરિકા છોડવું પડે છે.

દુનિયામાં આર્થિક અને ઊર્જાનાં સંકટનાં કારણે 60 દિવસ એટલે કે, બે માસનાં સમયમાં જ ફરીથી નવી નોકરી શોધવી આસાન હોતું નથી. જેનાં હિસાબે ઘણાં લોકોને વધારાની અવધિ માટે બી-ટૂ ટુરિસ્ટ વિઝાનો વિકલ્પ પસંદ કરવો પડે છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 1.10 લાખથી વધુ કર્મચારી ટેક ક્ષેત્રમાં નોકરી ગુમાવી ચૂકેલા છે. આમાં વિદેશી કર્મચારીઓનો હિસ્સો મોટો છે અને તેમાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. એચ-વનબી વિઝા મેળવવામાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ રહેતી આવી છે. મેટા, એમેઝોન અને લિંક્ડઈન જેવી કંપનીઓમાં મોટાપાયે છટણીમાં ભારતીયોની નોકરીનો ભોગ પણ લેવાયો છે. આ સ્થિતિમાં તેમને નિર્ધારિત સમયમાં નવી નોકરી ન મળે તો હાલત કફોડી બની જાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક