• શુક્રવાર, 22 મે, 2026

કોક્રોચ જનતા પાર્ટીનું ડ્ઢ એકાઉન્ટ બ્લોક : કલાકોમાં નવા નામે વાપસી

CJIની ટિપ્પણી વિરુદ્ધ ચાર દિવસમાં જ લાખો ફોલોઅર્સ જોડી લેનાર સનસનીખેજ એકાઉન્ટથી સોશિયલ મીડિયા અને રાજનીતિમાં ખળભળાટ

નવીદિલ્હી,તા.21: દેશનાં પ્રમુખ ન્યાયધીશ (સીજેઆઈ) સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીનાં વિવાદ પછી સોશિયલ મીડિયામાં ફૂટી નીકળેલી અને સનસનીખેજ ઝડપે લાખો ફોલોઅર્સ મેળવી લેનારી કોક્રોચ જનતા પાર્ટી(સીજેપી)નું એક્સ(ટ્વીટર) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરી નાખવામાં આવ્યું છે. જો કે આ પ્રતિબંધનાં અમુક કલાકમાં જ નામ બદલીને સીજેપીએ ફરીથી એક્સ ઉપર  પુનરાગમન કરી લીધું હતું. આ કોક્રોચ જનતા પાર્ટીનાં પોતાને સ્થાપક ગણાવનાર અભિજીત દિપકેએ પોતે જ એક્સ ઉપર પોસ્ટ કરીને નવા એકાઉન્ટની જાણકારી આપી હતી અને તેમાં એક પોસ્ટ કરી હતી કે, કોક્રોચ ઈઝ બેક. આ નવા એકાઉન્ટમાં તેણે અગાઉ અભૂતપૂર્વ ઝડપે લાખો ફોલોઅર્સ જોડાઈ ગયા તે એકાઉન્ટ જેવો જ વંદાવાળો પ્રોફાઈલ ફોટો રાખેલો છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે બેરોજગાર યુવાનોની તુલના કથિતરૂપે કોક્રોચ-જીવાત સાથે કરી નાખી હતી. આ મુદ્દે વિવાદ અને વિરોધ પછી તેમણે સ્પષ્ટતા પણ આપી હતી કે તેમનાં વિધાનનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. આમ છતાં આનાં વિરોધમાં જ કોક્રોચ જનતા પાર્ટી નામે સોશિયલ મીડિયામાં મજાકિયા એકાઉન્ટ બન્યું હતું અને પછી જોતજોતામાં જ તે ભયાનક વાયરલ બની ગયું હતું. લોકો વીજળીક ઝડપે તેને ફોલો કરવા લાગ્યા હતાં અને દેશની રાજનીતિમાં પણ આનાથી ખળભળાટ મચી ગયો હતો. ભાજપ અને કોંગ્રેસની પોસ્ટ કે એકાઉન્ટ જેટલી ઝડપથી ફોલો નથી થતાં એટલી ઝડપે આ એકાઉન્ટ ફોલો થવા લાગ્યા હતાં. આ કથિત પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર પણ બહાર પાડયું હતું અને તે પણ ખૂબ વાયરલ બની ગયું છે.

તા.16મી મેનાં શરૂ થયેલું આ એકાઉન્ટ ચાર દિવસમાં જ સનસનાટી મચાવી દેનાર આ એકાઉન્ટને આજે એક્સ ઉપર બ્લોક કરી નાખવામાં આવ્યું હતું. જેની જાણકારી અભિજીતે પોતે આપી હતી અને પોતાનાં એક્સ એકાઉન્ટમાં લખ્યું હતું કે, ચાર દિવસમાં જ આશંકા મુજબ એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું છે.

જો કે આ એકાઉન્ટ બ્લોક થયા બાદ અભિજીતે કોક્રોચ જનતા પાર્ટીનું નવું એકાઉન્ટ બનાવીને તેને ફોલો કરવા માટે લોકોને અપીલ કરી હતી અને તેમાં પણ અમુક કલાકોમાં જ હજારોની સંખ્યામાં ફોલોઅર્સ જોડાઈ ગયા હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક