• શુક્રવાર, 22 મે, 2026

ક્રૂડનો વધતો ભાવ ભારતનાં અર્થતંત્ર માટે જોખમી : IMF

યુનોએ ભારતનાં GDP વૃદ્ધિદરનું અનુમાન ઘટાડયું પણ સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર જળવાઈ રહેશે

નવીદિલ્હી,તા.21: અમેરિકા અને ઈરાનનાં યુદ્ધનાં હિસાબે દુનિયામાં સર્જાયેલા ઊર્જાનાં સંકટનાં કારણે પેદા થયેલી આર્થિક અફરાતફરી વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ભારતનાં અર્થતંત્ર વિશે વિરોધાભાસી આકલનો અને અનુમાનો આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો આવી ક્રૂડ ઓઈલનાં ભાવ વધતા રહેશે તો ભારતનું ગણિત તેનાથી બગડી જવાની આશંકા છે. ઓઈલનો ભાવ ભારતમાં મોટા આર્થિક જોખમનું કારણ પણ બની શકે છે. બીજીબાજુ સંયુક્તરાષ્ટ્ર (યુનો)નાં આર્થિક અને સામાજિક વિભાગે ભારતનાં જીડીપી વૃદ્ધિનું અનુમાન તો ઘટાડી નાખ્યું છે પણ સાથોસાથ એવું પણ ઉમેર્યુ છે કે, જીડીપી વૃદ્ધિ ઘટવા છતાં ભારત સૌથી વધુ ઝડપે વધતી અર્થવ્યવસ્થામાં યથાવત્ જળવાઈ રહેશે.

આઈએમએફ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, પશ્ચિમ એશિયાનાં સંકટમાં હોર્મુઝ બંધ રહેતા ઓઈલની કિંમત દુનિયામાં વધી રહી છે. જે ફરીથી ભારતમાં મોંઘવારીનાં પરિદૃશ્ય સાથે રાજકોષીય ગણિત માટે ખતરો બનવા લાગી છે. ઓઈલનાં ભાવમાં સતત વધારો ભારત માટે નાણાકીય જોખમ સાબિત થઈ શકે છે. ભારત જ નહીં બલ્કે અન્ય વિકસતા અર્થતંત્રો માટે પણ તે ખતરારૂપ પુરવાર થઈ શકે છે.

બીજીબાજુ યુનોનાં રિપોર્ટમાં મધ્યપૂર્વનાં સંકટનો હવાલો આપીને ભારતનાં જીડીપી વૃદ્ધિદરનું અનુમાન ઘટાડી નાખવામાં આવ્યું છે. વર્ષ 2026 માટે ભારતનાં જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.6 ટકામાંથી 0.20 પોઈન્ટ ઘટાડીને 6.4 ટકા કરી નાખવામાં આવ્યું છે. જો કે આમાં આશ્વાસન એ વાતનું છે કે, યુનોનો રિપોર્ટ કહે છે કે, જીડીપીમાં ઘટાડો થવા છતાં ભારત ઝડપથી વિકસતા દુનિયાનાં અર્થતંત્રોમાં યથાવત્ જળવાઈ રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક