બન્ને વચ્ચે કલાક ચાલી ઉગ્ર વાતચીત : મતભેદો આવ્યા સપાટી ઉપર
નવી
દિલ્હી, તા.21: ઈરાન યુદ્ધ મુદ્દે હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલનાં
પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ વચ્ચે ઉગ્ર મતભેદો સપાટી ઉપર આવી ગયા છે. તાજેતરમાં
બન્ને નેતાઓ વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ ગઈ હતી અને તેમાં નેતન્યાહૂ અને ટ્રમ્પનાં
વિચારોમાં કોઈ મેળ ન હોવાનું સામે આવી ગયું હતું. ફોન ઉપર બન્ને વચ્ચે એકાદ કલાકથી
લાંબી ચર્ચા ચાલી હતી અને અહેવાલ અનુસાર ઈરાન
ઉપર હુમલા રોકવાનાં ટ્રમ્પનાં ફેંસલાથી નેતન્યાહૂ અત્યંત નારાજ થઈ ગયા હતાં.
મીડિયાનાં
અહેવાલો અનુસાર ઈરાન ઉપર આગળની કાર્યવાહી મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે કોઈ મેળ નથી. નેતન્યાહૂ
ઈરાન ઉપર નવેસરથી હુમલાનો આગ્રહ રાખી રહ્યાં છે જ્યારે ટ્રમ્પે હાલ યુદ્ધ રોકીને કૂટનીતિથી
આગળ વધવાનું મન બનાવી લીધું હોવાનું દેખાઈ રહ્યું છે. જેનાં હિસાબે બન્ને વચ્ચે ચકમક
ઝરી હતી.
ટ્રમ્પે
નેતન્યાહૂને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હાલ તેઓ ઈરાન ઉપર વધુ હુમલા રોકી રહ્યાં
છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાન અને કતાર જેવા દેશ એક ઈરાદા પત્ર ઉપર કામ કરી
રહ્યાં છે અને તેનાં ઉપર ઈરાન અને અમેરિકા બન્ને હસ્તાક્ષર કરશે. બીજીબાજુ નેતન્યાહૂનું
માનવું છે કે, જંગ રોકવામાં આવે તો ઈરાનને ફરીથી સતર્ક થવાનો અને પોતાની સૈન્ય ક્ષમતાને
બેઠી કરવાનો મોકો મળી જશે. આ ચર્ચા પછી નેતન્યાહૂ ગુસ્સામાં છે અને હવે તેઓ ટ્રમ્પને
રૂબરૂ મળીને ચર્ચા કરવા માગતાં હોવાનું અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે.
-----------------
ઈઝરાયલમાં
ચૂંટણી લડીશ, 99 ટકા રેટિંગ છે : ટ્રમ્પ
અમેરિકી
રાષ્ટ્રપતિનો વધુ એક દાવો : નેતન્યાહુ પોતે જે કંઈ કહેશે તે જ કરશે
વોશિંગ્ટન,
તા. 21 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો દાવો કર્યો છે જેનાથી પૂરી દુનિયામાં
હલચલ મચી છે. પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈઝરાયલમાં તેમની
લોકપ્રિયતા 99 ટકા છે અને તેમણે મજાકના અંદાજમાં કહ્યું હતું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ
પદનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ ઈઝરાયલમાં પીએમ પદની ચૂંટણી લડી શકે છે. તેમણે એવો
દાવો પણ કર્યો હતો કે નવા સરવેમાં તેઓને વધુ રાટિંગ મળ્યા છે. આ સાથે નેતન્યાહુ પોતે જે કંઈ કહેશે તે જ કરશે તેમ
પણ ઉમેર્યું હતું.
ઈરાન
ઉપર સંભવિત હુમલા અંગે સવાલ કરવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથે સમજૂતીની
કોઈ ઉતાવળ નથી. મધ્ય પૂર્વમાં હોર્મુઝ માર્ગ ખોલવો પડશે અને તે ટૂંક સમયમાં ખૂલી જશે.
આ માટે ઈરાનને એક તક આપવામાં આવશે. ઈઝરાયલી પીએમ નેતન્યાહુ અંગે સવાલ ઉપર ટ્રમ્પે કહ્યું
હતું કે નેતન્યાહુ એક સારા માણસ છે અને નેતન્યાહુ પોતે જે કહેશે તે જ કરશે. આ સાથે
એમ પણ કહ્યું હતું કે ઈઝરાયલમાં નેતન્યાહુ સાથે સારું વર્તન કરવામાં આવતું નથી.