• શનિવાર, 06 જૂન, 2026

રાજ્યસભામાં સૌરાષ્ટ્રનો સૂર ફરી બુલંદ થશે

રાજ્યસભામાં ગુજરાતમાંથી ચાર સભ્યો કોણ કોણ જશે તેની સત્તાવાર જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ આજે કરી દીધી છે. આમ તો આ એક રીતે નોંધપાત્ર ઉમેદવારી છે કારણ કે આ વખતે કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવાર રાજ્યસભામાં નહીં જાય. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરિફની પરંપરા હતી આ વખતે ભાજપે ગુજરાતમાંથી તો રાજ્યસભાની ઉમેદવારી પણ બિનહરિફ કરી. સંસદના ઉપલા ગૃહમાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવાની પરંપરા જળવાઈ છે. સ્વતંત્રતા-બંધારણ અપનાવાયાથી લઈને આજ સુધી સૌરાષ્ટ્રને સંસદના ઉપલા ગૃહમાં પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે. આ વખતે પણ તે જળવાયું છે. સૌરાષ્ટ્રનું રાજકીય મહત્વ કેટલું છે તે આના ઉપરથી સ્પષ્ટ થાય છે.

સ્વાભાવિક રીતે અનેક નામની ચર્ચા રાજ્યસભાના સદસ્યો માટે હતી. પાર્ટીએ ગુરુવારે સાંજે નામ જાહેર કર્યાં. રાજુભાઈ શુક્લ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કરાંજિયાને સંસદસભ્ય માટેના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. પ્રથમ તો એ કે આમાંથી ત્રણ ઉમેદવાર 50 વર્ષથી નીચેની વયના છે. પક્ષે યુવા નેતૃત્વ ઉપર ભરોસો મૂક્યો છે. બીજી મહત્વની વાત કે જિતેન્દ્ર કણઝારિયા દેવભૂમિ દ્વારકાના છે અને માનસિંહ પરમાર ગીર સોમનાથ જિલ્લામાંથી છે. અત્યારે વાંકાનેર રાજ પરિવારના ઠાકોર સાહેબ કેસરીદેવસિંહ રાજ્યસભામાં છે. હવે સૌરાષ્ટ્રમાંથી ત્રમ સભ્યો ત્યાં રહેશે. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં ફરીથી માતબર પ્રમાણમાં છે. જે નિવૃત્ત થઈ રહ્યા છે તેવા બે સદસ્ય, ભાજપના રામભાઈ મોકરિયા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પણ સૌરાષ્ટ્રમાંથી હતા.

આ અગાઉ કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્રના જેઠાલાલ જોશી, ભાજપમાંથી ચીમનભાઈ શુક્લ, વિજયભાઇ રુપાણી, અભય ભારદ્વાજ સહિતના અનેક અગ્રણીઓ રાજ્યસભામાં રહ્યા છે. અભયભાઈનો કાર્યકાળ તદ્દન ટૂંકો હતો. અરુણ જેટલી પણ રાજ્યસભામાં ગુજરાતમાંથી ગયા હતા. સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે તે અહીંના રાજકીય મહત્વનો પુરાવો છે. આ વખતે પણ ચારમાંથી બે ઉમેદવાર સૌરાષ્ટ્રના છે. જ્ઞાતિ સમીકરણની દૃષ્ટિએ પણ આ પસંદગી યોગ્ય મનાઈ રહી છે. ભાજપને વિધાનસભામાં સભ્યસંખ્યાની સાનુકૂળતા છે. સૌરાષ્ટ્રના વિકાસ માટે આ સ્થિતિ આવકાર્ય છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ આ ભાજપ માટે હકારાત્મક પાસું ગણી શકાય. જો કે કચ્છના નાગરિકો નારાજ છે.

ઇ-પેપરના નવા શુલ્ક