• શનિવાર, 06 જૂન, 2026

વાયરસના ‘ભરડા’ને તોડી 11 વનરાજે આપી મોતને માત

વનતારા અને વન વિભાગના સહિયારા ઓપરેશનથી 11 સિંહને મળ્યું નવજીવન, જંગલમાં મુકત કરાયા

જસાધાર અને જામવાળા કેર સેન્ટરમાં બાકીના 6 સિંહોની તબિયતમાં પણ ઝડપી સુધારો

સ્થિતિ હવે સંપૂર્ણ કાબૂમાં : ગિર પૂર્વના DCF

 

કમલેશ જુમાણી (ઉના)

સુરેશ જોશી (ગિરગઢડા)

મીલાપ રુપારેલ (અમરેલી)

છેલ્લા 15 દિવસથી ગિરના ગીચ જંગલોમાં કાળમુખા બેબેસિયા અને CVD વાયરસ સામે ચાલી રહેલા જીવન-મરણના જંગમાં આખરે સિંહોની જીત થઈ છે. ઘાતક ઇન્ફેક્શનના કારણે 12 સિંહના કમકમાટીભર્યા મોત બાદ ભારે આઘાતમાં ડૂબેલી ગિરની ધરતી માટે વન વિભાગ અને જામનગરના વનતારાની ટીમે રાહતના મોટા સમાચાર આપ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં કાળના મુખમાં ધકેલાઈ ગયેલા 17 સિંહોમાંથી 11 સિંહો સંપૂર્ણ સ્વસ્થ થઈને મોતને માત આપી ચૂક્યા છે, જેમને ફરીથી જંગલના મુક્ત વાતાવરણમાં છોડી દેવાયા છે.

છેલ્લા 15 દિવસથી ગિરના જંગલમાં મોતનું તાંડવ મચાવનાર બેબેસિયા અને CVD વાયરસના ભયાનક ભરડામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 17 સિંહોમાંથી 11 સિંહને નવજીવન મળ્યું છે અને તેમને ફરી ગિરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાંઆવ્યા છે. બાકીના 2 નર, 1 માદા અને 3 સિંહબાળ હજુ સારવાર હેઠળ છે, જેમની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

 ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા પખવાડિયાથી સિંહોમાં બેબેસિયા અને ઈટઉ વાયરસની દહેશત ફેલાઈ હતી. એક પછી એક સિંહના મૃતદેહ મળતાં ગીરની ધરતી કંપી ઉઠી હતી અને આ ગોઝારી ઘટનાના પડઘા છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્યના વન મંત્રી તાત્કાલિક જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટર પર દોડી આવ્યા હતા અને સ્થળ પર જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તાત્કાલિક ધોરણે 17 બીમાર સિંહોને આઇસોલેટ કરી સઘન સારવાર શરૂ કરાઈ. 7 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર અને 10 સિંહને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા.

 આ મહાઅભિયાનમાં જામનગર સ્થિત વનતારાની નિષ્ણાત ટીમ, સાસણ સહિતના વેટરનિટી તબીબો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બીટ ગાર્ડ સહિતનો સ્ટાફ દિવસ-રાત એક કરીને સિંહોની સારવાર અને મોનીટરીંગમાં જોડાઈ ગયો હતો. એક-એક સિંહના શ્વાસ પર નજર રાખી, ટીપે-ટીપે દવા આપી કાળના મુખમાંથી સિંહોને પાછા ખેંચી લાવવાનો જંગશરૂ થયો.

વન વિભાગ અને વનતારાની અથાગ મહેનત રંગ લાવી. જસાધાર એનિમલ કેર સેન્ટરમાંથી 4 સિંહને અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાંથી 7 સિંહને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ગિરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા છે. મોતને હરાવીને ફરી જંગલમાં ગર્જના કરતા સિંહોને જોઈ વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. હાલ જસાધારમાં 1 માદા અને 2 સિંહબાળ, જ્યારે જામવાળામાં 2 નર અને 1 સિંહબાળ સારવાર હેઠળ છે. કુલ 6 સિંહ હજુ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

આ બાબતે ગીર પૂર્વ રેન્જના DCF વિકાસ યાદવ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું, જે 6 સિંહ સારવાર હેઠળ છે તેમની હાલત ઝડપથી સુધરી રહી છે. ટૂંક સમયમાં જ તેમને પણ જંગલમાં મુક્ત કરવામાં આવશે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. વન વિભાગની તમામ રેન્જની ટીમો સિંહોનું 24બાય7 મોનીટરીંગ કરી રહી છે. હવે સિંહો ફરી જંગલમાં મુક્ત મને વિહરતા થઈ ગયા છે. વનતારા, વેટરનિટી ડોક્ટરો અને અમારા બીટ ગાર્ડથી લઈને અધિકારીઓ સુધીની ટીમે જે જહેમત ઉઠાવી છે તેના કારણે જ આજે આપણે 11 સિંહોને બચાવી શક્યા છીએ. આ સહિયારા પ્રયાસનું પરિણામ છે.

ઇ-પેપરના નવા શુલ્ક