• શનિવાર, 06 જૂન, 2026

પડકારો વચ્ચે પણ પ્રગતિનો પંથ

માર્ચ મહિનાથી અમેરિકા, ઈઝરાયલ-ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લીધે સમગ્ર વિશ્વના અર્થતંત્રની સામે પ્રશ્નાર્થ મંડાયો છે ત્યારે ભારતના આર્થિક મોરચે હજુ આશા યથાવત્ છે. ઈંધણના ભાવને કારણે મોંઘવારીની સ્થિતિ હવે બજારમાં દેખાઈ રહી છે પરંતુ આ પડકારોની વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાનો અહેવાલ અને દાવો છે. જો કે, યુદ્ધ અંગે સંપૂર્ણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ભવિષ્ય માટે મોટી આગાહીનો સમય નથી પરંતુ વર્તમાન સંજોગોમાં ભારતીય અર્થતંત્રએ સ્થિતિ જાળવી રાખી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતનો જીડીપી ગ્રોથ ઘટે તેવી સંભાવના જાહેર કરી અને નાણાં વર્ષ 2026-27 દરમિયાન વાસ્તવિક જીડીપી 6.6 રહેવાનું અનુમાન છે. જે પહેલા 6.9% રહેવાની સંભાવના વ્યક્ત થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન તરફથી જાહેર થયેલા આંકડા અનુસાર 2025, 2026 દરમિયાન ભારતનો વિકાસ દર 7.7% થઈ ગયો છે જેનું પૂર્વાનુમાન 7.1% હતું.

ઓક્ટોબર થી ડિસેમ્બર-2025ના ત્રિમાસિક વિકાસનો દર 8% હતો જેની સરખામણીમાં વાર્ષિક દર 7.8% ઓછો છે તેનું સ્પષ્ટ કારણ યુદ્ધની સ્થિતિ છે. ખાડી યુદ્ધને લીધે સપ્લાય ચેઈનની ગતિ ધીમી પડી પરિણામે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનો વિકાસ 12.8%થી ઘટીને 7.3% પર પહોંચી ગયો. બાંધકામ ક્ષેત્રનો વિકાસ જો કે, 8માંથી 8.4% થયો. સર્વિસ સેક્ટરનો વિકાસ દર વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 6.8થી વધીને 9.9% થઈ ગયો. આ રીતે અન્ય ક્ષેત્રોના દરમાં પણ વધારો થયો છે. ઉદ્યોગ ક્ષેત્રે જો કે ઘટાડો થયો અને હોટલ, ટ્રાન્સપોર્ટ તથા ટેલિકોમ ગ્રોથ વધ્યો. નિષ્ણાતોની દૃષ્ટિએ અર્થતંત્ર માટે આ સારી નિશાની છે.

આજ સ્થિતિ જળવાઈ રહે તે દેશ માટે આવકાર્ય છે, આવશ્યક પણ છે. ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે જીવીએનો દર 7.9% છે. જે આર્થિક ગતિવિધિઓની મજબૂતીનો સંકેત આપે છે પરંતુ વૈશ્વિક સ્થિતિ હજી પ્રવાહી  છે. સ્થાનિક જોખમો પણ છે, ઈંધણના ભાવમાં થઈ રહેલો વધારો સૌથી મોટું પરિબળ બની શકે તેમ છતાં 2025-26નો વિકાસ દર 7.7% થયો છે તે સારી બાબત છે.

અલબત્ત, સરકાર કે કોઈ એજન્સી દ્વારા જાહેર થતી વિગતો ઉપર સંશય હોય નહીં પરંતુ આ આંકડાઓની વચ્ચે પણ વાસ્તવિક સ્થિતિ અલગ હોવાની સ્થિતિનો ઈતિહાસ સાક્ષી છે. દેશમાં એલપીજી, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે તેની અસર તમામ ક્ષેત્રો ઉપર થઈ રહી છે. આજે વિકાસ દર જળવાયો છે તે ભવિષ્યમાં પણ જળવાઈ રહે તો તે ચોક્કસ સરકારની સિદ્ધિ હશે.

ઇ-પેપરના નવા શુલ્ક