• શનિવાર, 06 જૂન, 2026

અર્થતંત્રને સ્થિર રાખવા બે મોરચેથી પ્રયાસ

રિઝર્વ બેન્કે રેપો રેટ રાખ્યો યથાવત્ : સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા LTCGમાં આપી છૂટ : ગગડતા રૂપિયાને આધાર મળવાની આશા

નવીદિલ્હી,તા.પ: વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ડામાડોળ બનતા આર્થિક ચિત્ર વચ્ચે આજે રિઝર્વ બેન્ક અને સરકાર તરફથી અનેક મોટા એલાન કરવામાં આવ્યા હતાં અને તેનાંથી ભારતીય શેરબજારને લાભ થવાની આશા રાખવામાં આવે છે. જો કે આ જાહેરાતો બાદ પણ આજે શેરબજારમાં એવી કોઈ ખાસ ખુશાલી જોવા મળી નહોતી. રિઝર્વ બેન્કે નાણાનીતિની સમીક્ષામાં ચાવીરૂપ રેપો રેટ 5.25 ટકા યથાવત્ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો એટલે કે લોન મોંઘી નહીં બને. બીજીબાજુ ભારતીય બજારમાંથી છેલ્લા એકાદ વર્ષથી ઉચાળા ભરતાં વિદેશી રોકાણકારો અને ડોલરનાં પ્રવાહને પરત આકર્ષવા માટે સરકારે આવકવેરા અધિનિયમમાં બદલાવ કરતાં વિદેશી સંસ્થાગત રોકાણકારો-એફઆઈઆઈ દ્વારા સરકારી જામીનગીરી  એટલે કે સિક્યોરિટી બોન્ડમાં રોકાણને કેપિટલ ગેઈન ટેક્સમાંથી મુક્તિ આપી દીધી છે. આ વટહુકમ આજે જારી કરવામાં આવ્યો છે પણ તેને 1 એપ્રિલ 2026થી અમલી માનવામાં આવશે.

કેન્દ્રીય બેન્કનાં ગવર્નર સંજય મલ્હોત્રાએ 3થી પ જૂન સુધી ચાલેલી નાણા નીતિની સમીક્ષા બેઠક બાદ આજે રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય જાહેર કરવા સાથે જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ ખરાબ થઈ રહી છે અને પુરવઠાની સાંકળમાં વિક્ષેપનાં કારણે ઈંધણની વધતી કિંમતોથી વિકાસદર અને મોંઘવારી બન્ને પ્રભાવિત થઈ રહ્યાં છે.

કેન્દ્રીય બેન્ક દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન મામૂલી ઘટાડયું છે. જે 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરાયું છે. જ્યારે મોંઘવારી વિશે રિઝર્વ બેન્કનું અનુમાન છે કે, આ વર્ષે દેશમાં મોંઘવારીનો દર થોડો ઉંચો રહી શકે છે. આમાં ઓઈલ અને ગેસની મોંઘવારીની ભૂમિકા મુખ્ય રહેશે. માર્ચમાં મોંઘવારીનો દર 3.4 ટકા અને એપ્રિલમાં 3.5 ટકા રહ્યો હતો. જો કે આવનારા દિવસોમાં મોંઘવારી વધી રહી છે. આરબીઆઈનાં અનુમાન મુજબ નાણકીય વર્ષ 2026-27માં ફુગાવો 5.1 ટકા રહી શકે છે.

બીજીબાજુ વિદેશી રોકાણકારો માટે રાહતકારી વટહુકમ અનુસાર ઈક્વિટી અને ઋણમાં રોકાણથી થતાં નફા ઉપર 12.5 ટકા લાંબી અવધિનાં મૂડીગત લાભ ટેક્સ(એલટીસીજી) લાગતો હતો. જેને જુલાઈ 2024નાં બજેટમાં 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો હતો. હવે એલટીસીજીને સમાપ્ત કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વિદેશી રોકાણકારોએ અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી 2.6 લાખ કરોડ રૂપિયાની તોતિંગ રકમ પાછી ખેંચી લીધી છે. વિદેશી ભંડોળનો આ મોટો ઉપાડ, મોંઘું ઓઈલ અને વધતી વેપાર ખાધ ઉપરાંત અમેરિકાનાં ટેરિફનાં કારણે ભારતીય ચલણ રૂપિયા ઉપર ભારે દબાણ પેદા થઈ ગયું છે. જે ડોલર સામે 95-96નાં સ્તર સુધી ગગડી ગયો છે. આ સ્થિતિમાંથી ઉગરવાનાં પ્રયાસ રૂપે હવે વિદેશી રોકાણકારોને પાછા ખેંચવા માટે એલટીસીજીમાં છૂટ આપી દેવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક