• શનિવાર, 06 જૂન, 2026

ભારત મુદ્દે અમેરિકા-રશિયા સામસામે

પુતિને ભારતને ભરોસાપાત્ર મિત્ર દેશ ગણાવ્યો : ટ્રમ્પે ભારત ઉપર વર્ષો સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા.પ: ભારતને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે નિવેદનબાજી તીવ્ર બની ગઈ છે. એકબાજુ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખુલીને પ્રશંસા કરી રહ્યાં છે તો બીજીબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત ઉપર ઉંચા ટેરિફ વસૂલીને અમેરિકાનો ગેરલાભ ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. આ બન્ને મહાશક્તિઓનાં નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, દુનિયાની મોટી તાકાતો ભારતને કેવી નજરે જોઈ રહી છે.

પુતિને સેંટ પીટર્સબર્ગમાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંવાદમાં કહ્યું હતું કે, ભારત સાથે રશિયા જૂના અને ભરોસાપાત્ર સંબંધને મજબૂત બનાવવા માગે છે. ભારત દુનિયાની મોટી અર્થવ્યવસ્થામાં સામેલ છે અને ઝડપે વિકસી રહ્યું છે. ભારત અને રશિયાને દૂર કરવા માટે પશ્ચિમી દેશો અને અમેરિકાનાં દબાણ બેઅસર સાબિત થયા છે. ભારત પોતાનાં રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે એ તેની સૌથી મોટી તાકાત છે. ભારત અને અમેરિકાનાં સંબંધ સારા હોય તેમાં રશિયાને કોઈ વાંધો નથી પણ રશિયા ભારત સાથે બધા ક્ષેત્રમાં સંબંધ ગાઢ બનાવતું રહેશે. આ સીવાય પાકિસ્તાન અને ચીનનાં સંબંધો વિશે પણ તેમણે કહ્યું હતું કે, પાક. સંપૂર્ણપણે ચીનનાં નિયંત્રણમાં હોવાનું કહેવું ઉચિત નથી. આ ઉપરાતં ભારત-ચીન સીમા વિવાદમાં પણ બહારી દખલને તેમણે અયોગ્ય ગણાવી હતી.

બીજીબાજુ ટ્રમ્પે દોહરાવ્યું હતું કે, ભારતે વર્ષો સુધી અમેરિકાની નીતિનો ફાયદો ઉઠાવ્યો હતો અને અમેરિકી સામાન ઉપર ભારે ટેરિફ લગાવ્યા. જો કે તેમણે વડાપ્રધાન મોદીને સારા મિત્ર ગણાવીને કહ્યું હતું કે, હવે ભારત અને અમેરિકા વચ્ચે જલ્દી વેપાર સમજૂતી થઈ શકે છે. આ સાથે તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, હવે સ્થિતિ પહેલા જેવી નથી એટલે ભારત સાથે વેપારમાં અમેરિકા વધુ કમાણી કરી રહ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક