• શનિવાર, 06 જૂન, 2026

દેશની કુલ ગ્રીન એનર્જીનો પાંચમો હિસ્સો ગુજરાતની ધરતી પર ઉત્પન્ન થાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતને 18 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રોજેક્ટોની ડિજિટલ માધ્યમથી ભેટ આપી

એક સમયે પ્લેગની મહામારીથી ઓળખાતું સુરત આજે સ્વચ્છતામાં અગ્રેસર : મોદી

સુરત તા. 5: એક સમયે સુરતને મહામારી પ્લેગથી ઓળખવામાં આવતું હતું, આજે સુરતને સ્વચ્છતા માટે ઓળખવામાં આવે છે. આ જ છે સુરત શહેરની સ્પીરિટ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરની મુલાકાત દરમિયાન આયોજિત ઇન્ડોર સ્ટેડિયમની સભામાં ટાંક્યું હતું. તેમજ જણાવ્યું કે  ગુજરાત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે હજુ વધુ વિકાસના નવી ઊંચાઈઓ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે દેશ અઢીસો ગીગા વોટની ઐતિહાસિક ક્ષમતા પર પહોંચ્યું છે, જેમાંથી પચાસ ગીગા વોટ ઊર્જા એકલું ગુજરાત પૂરું પાડે છે. આનો અર્થ એ થાય કે દેશની કુલ ગ્રીન એનર્જીનો પાંચમો હિસ્સો ગુજરાતની ધરતી પર પેદા થાય છે. બાર વર્ષ પહેલાં દેશમાં સૌર ઊર્જા નામ માત્રની હતી, જ્યારે આજે ભારત વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે. ભારત હવે ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા અને ઇથેનોલ બ્લેન્ડિગ જેવા ક્ષેત્રોમાં પણ ક્રાંતિ લાવશે, જેમાં ગુજરાત કેન્દ્રસ્થાને રહેશે.

પોતાની વાત શરૂ કરતાં પહેલાં વડાપ્રધાને સુરતના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ માવાણીને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી. દક્ષિણ ગુજરાતને રૂા. 18 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રોજેક્ટોની ડિજિટલ માધ્યમથી ભેટ આપતાં વડાપ્રધાને પોતાનું ઉદબોધન ગુજરાતીમાં શરૂ કર્યું હતું પછીથી હિન્દીમાં ભાષણ આપ્યું હતું.  વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસના સંયોગને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એક લાખ લોકોએ પાંચ દિવસ દરમિયાન સફાઈ અભિયાન ચલાવ્યું છે તે મારા માટે મોટી સોગાદ છે. એક લાખ લોકો એટલે એક  લાખ પરિવાર સ્વચ્છતા અભિયાનમાં જોડાયો છે. મને આજે જેટલી ભેટ મળી તે કરતાં પણ સૌથી વધુ અણમોલ ભેટ કચરાની છે. સ્વચ્છતા અભિયાન દરેક પરિવાર માટે ભવિષ્યનું સંસ્કાર પર્વ છે.

વડાપ્રધાને હજીરા ઔદ્યોગિક ક્ષેત્રની મુલાકાતનો ઉલ્લેખ કરી તેને આત્મનિર્ભર ભારતનું સાચું પ્રતાબિંબ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે હજીરા હવે માત્ર ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી, પણ ત્યાં ડિફેન્સ પ્રોડક્શન, ઊર્જા, પોર્ટ કનેક્ટિવિટી અને ગ્લોબલ ટ્રેડનું એક આખું મોટું ઇકો સિસ્ટમ ઊભું થયું છે. આગામી સમયમાં હજીરા ઇન્ડસ્ટ્રિયલ એરિયા ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે વૈશ્વિક નકશા પર ચમકશે, જ્યાં સ્ટીલના નિર્માણમાં ક્લીન અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજાક ઉડાવતા અને દેશને હંમેશા અન્ય પર નિર્ભર રાખવા માંગતા નિરાશાવાદી તત્વોને પણ તેમણે આડેહાથ લીધા હતા.

વડાપ્રધાને તેમના ભાષણમાં કોંગ્રેસની આકરી આલોચના કરતા જણાવ્યું કે દેશની જનતા ક્યારેય અરાજકતા, અનિશ્ચિતતા અને નકારાત્મકતાને પસંદ કરતી નથી. હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબની સ્થાનિક ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે જનતાએ કોંગ્રેસના કુશાસન અને પરજીવી રાજનીતિને નકારીને તેને હાંસિયામાં ધકેલી દીધી છે.

દમણમાં 2970 કરોડના વિકાસકાર્યો સાથે એરપોર્ટ અને નમો હોસ્પિટલ દેશને સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત બાદ સંઘપ્રદેશ દમણની મુલાકાત લઈ રૂ. 2970 કરોડથી વધુના વિવિધ પ્રગતિશીલ પ્રોજેક્ટોની ભેટ લોકોને આપી હતી. તેમણે દમણના નવા એરપોર્ટ અને નમો હોસ્પિટલ જેવી મોટી આધુનિક સુવિધાઓ દેશને સમર્પિત કરી હતી. આ સાથે જ તેમણે પ્રદેશમાં સ્વાસ્થ્ય અને પ્રવાસન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દમણ ખાતે જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે આ કેન્દ્રશાસિત પ્રદેશ માત્ર પ્રવાસન પૂરતો સીમિત નથી પરંતુ ઉદ્યોગો અને મજબૂત માળખાકીય સુવિધાઓના જોરે દેશના નકશા પર તેજસ્વી રીતે ચમકી રહ્યો છે. સ્થાનિક લોકોના સહયોગથી દમણમાં સર્જાયેલી આધુનિક સુવિધાઓ દેશના અન્ય નાના પ્રદેશો માટે પણ વિકાસનું એક ઉત્તમ મોડેલ સાબિત થશે. આ જ મંચ પરથી લક્ષદ્વીપ માટે આશરે 885 કરોડ રૂપિયાના મહત્ત્વપૂર્ણ બંદર વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જે ત્યાંના લોકોના જીવનમાં ક્રાંતિકારી અને મોટું પરિવર્તન લાવશે. પ્રદેશની વિવિધતા વિશે વાત કરતાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે દમણ ઝડપથી એક લઘુ ભારત બની રહ્યું છે. અહીં દેશના અલગ અલગ ભાગોમાંથી આવેલા લોકો હળીમળીને રહે છે અને તેમની આ વિવિધતા સમગ્ર ભારતની એક સુંદર ઝાંખી કરાવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક