• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

જામનગરમાં બંધ મકાનમાંથી રૂ.11 લાખની રોકડ મતાનો હાથફેરો

પરિવાર સાથે ગોવા ફરવા ગયા’તા : કેમેરામાં કેદ શકમંદ શખસની શોધખોળ

એફએસએલ-ડોગ સ્કવોડ દ્વારા તપાસ

જામનગર, તા.4 : જામનગરમાં રહેતા પેટ્રોલપંપના  માલિક સહિતનો પરિવાર ગોવા ફરવા ગયા હોય તે દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા હતા અને કબાટમાંથી રૂ.11 લાખની રોકડ મતાનો હાથફેરો કરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે કેમેરામાં કેદ એક શકમંદ શખસની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરાધના સોસાયટીમાં રહેતા અને શિવમ પેટ્રોલ પંપ ધરાવતા રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા નામના વૃદ્ધ તથા પરિવારજનો મકાન બંધ કરી ગત તા.ર6ના ગોવા ફરવા ગયા હતા અને તા.31ના પરત આવતા મકાનમાં સામાન વેરવીખેર જોવા મળ્યો હતો અને તસ્કરો ખાબક્યાની જાણ થઈ હતી અને તસ્કરો કબાટમાંથી રૂ.11 લાખની રોકડ મતાનો હાથફેરો કરી નાસી છૂટયાનું જાણવા મળતા પોલીસને જાણ કરી હતી.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તેમજ એફએસએલ અધિકારી-ડોગ સ્કવોડનો કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મકાનમાં લગાવેલા સીસીટીવી (જુઓ પાનું 10)

કેમેરામાં એક શકમંદ શખસ કેદ જોવા મળ્યો હતો અને પોલીસે વર્ણનના આધારે શોધખોળ શરૂ કરી હતી. તેમજ એફએસએલ અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે પોલીસે રમેશભાઈ કુંડલિયાની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક