સાવરકુંડલા તા.1: સાવરકુંડલા
નજીક આવેલા મોટા ઝીંઝુડા ગામે શિવ કુમારી આશ્રમ ચાલે છે જ્યાં વિનામૂલ્યે બાળકોને મફત
શિક્ષણ અને રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. આજે બપોરના ભોજનમાં કારેલાનું શાક
ખાધા બાદ 30 જેટલા બાળકોને ઉલટીની અસર થતા 20 જેટલા વિદ્યાર્થીને મોટા ઝીંઝુડા પીએચસી
સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પીએચસી સેન્ટરના ડોક્ટર મયુર પારગી
અને સ્ટાફ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે અને દસેક જેટલા બાળકો કે જેને સાધારણ
અસર થતા આશ્રમ ખાતે જ રાખવામાં આવ્યા અને શિવકુમારી આશ્રમ ખાતે જીંજુડાની એક ટીમ સારવાર
કરી રહી છે.
ઘટનાની જાણ થતા સાવરકુંડલા તાલુકા
પોલીસ ઘટના સ્થળે પહોંચી આશ્રમે થી શાકના નમૂના લીધા હતા. આશ્રમના સંચાલિકાના જણાવ્યા
મુજબ 110 બાળકોમાંથી માત્ર 30 બાળકોને જ આ અસર થવા પામી છે હાલ ડોક્ટરના જણાવ્યા મુજબ
તમામ બાળકોની સ્થિતિ કંટ્રોલમાં છે તેમજ ત્રણ બાળકોને સાવરકુંડલા વધુ સારવાર માટે રીફર
કરવામાં આવ્યા છે.