પરિવારે
એક શખસની ઉઘરાણીથી ત્રાસી આપઘાત કર્યાનું ખુલ્યું : ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી
આવી
એક
દીકરીનો સદ્નસીબે બચાવ
સુરત,
તા. 25 : સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં રહેતા એક જ પરિવારના
ચાર સભ્યોએ ગત મોડી સાંજે ઝેરી દવા પી લેતા ચકચાર મચી પામી હતી. દરમિયાન ગત સાંજે પતિનું
ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે આજે સવારે પત્ની અને એક માસૂમ દીકરીનું હોસ્પિટલમાં
સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજી દીકરીનો સદ્નસીબે બચાવ થયો છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને છેલ્લાં બે વર્ષથી ઘરબેઠાં શેરબજારનું
કામ કરતા બાલમુકુંદ ખૈતાને પરિવાર સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા
કરી લીધી છે. જેમાં બાલમુકુંદનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આજે સવારે
પત્ની પ્રિયંકા અને એક માસૂમ દીકરી ભવ્યા (ઉં.9)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
નીપજ્યુ હતુ. તથા બીજી દીકરી પ્રાથ્વી (ઉં.7)નો સદનસીબે બચાવ થયો છે. બનાવ અંગે જાણ
થતા જ વેસુ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી
ત્રણ પાનાંની એક સુસાઈડ નોટ મળી આવી છે.
પોલીસ
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આપઘાત પહેલાં જે ત્રણ પાનાંની સુસાઇડ નોટ લખવામાં
આવી છે એ હિન્દીમાં લખાયેલી છે. આ સુસાઇડ નોટ બાલમુકુંદ ખૈતાન દ્વારા નહીં, પરંતુ તેની
પત્ની પ્રિયંકા ખૈતાને લખી હતી. હેન્ડરાઇટિંગ પરથી પોલીસને જાણવા મળ્યું છે કે સુસાઇડ
નોટ લખનાર પ્રિયંકા છે. સુસાઇડ નોટના અંતે બન્ને વ્યક્તિઓએ પોતાની સહી પણ કરી છે. સુસાઇડ
નોટમાં ખૈતાન દંપતીએ તેમના મોબાઇલ અને ખરીદેલાં નવાં કપડાં બિહારના પટનામાં રહેતી તેમની
માતાને આપવા જણાવ્યું છે. બાલમુકુંદના પિતા હયાત નથી અને માતા પટનામાં રહે છે, તેથી
અંતિમ ઈચ્છા તરીકે તેમણે પોતાના મોબાઇલ અને બાકીનાં તમામ કપડાં માતા સુધી પહોંચાડવા
વિનંતી કરી છે.
પોલીસ
તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનાથી આરોપી વૈભવ રૂંગટાની અવરજવર બાલમુકુંદના
ઘરે વધી ગઈ હતી. એ દિવસમાં બેથી ત્રણ વાર તેમના ઘરે આવતો હતો અને સુસાઇડના દિવસે પણ
ત્યાં હાજર હતો. સુસાઇડ નોટમાં લખાયું છે કે વૈભવ બાલમુકુંદના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ
કરીને સતત ખરીદી કરતો હતો. વૈભવ કાપડનો દલાલ છે અને હાલમાં જ તેણે કાપડની ખરીદી પણ
કરી હતી. જેના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસે વૈભવ રૂંગટા નામના
શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.