• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

તાલાલા વિસ્તારમાંથી ઈકો સેન્સિટીવ ઝોન રદ નહીં થાય રાહત મળશે : ભગવાનભાઈ બારડ

સિંહોનું જતન કરવું છે તો શાં માટે દરરોજ 150 જીપ્સી દોડાવો છો...!! વનવિભાગની ખેડૂતો વિરોધી નીતિની સરપંચોએ આલોચના કરી 

તાલાલા, મેંદરડા, માળિયા તાલુકાના સરપંચોની ઈકો ઝોન દૂર કરવાની માગણી સાથે માર્કેટિંગ યાર્ડમાં મિનિ સંમેલન યોજાયું 

તાલાલા ગીર, તા.4 : તાલાલા પંથક સહિત ગીર વિસ્તારમાંથી ઈકો સેન્સિટીવ ઝોનનો આવતો કાયદો અટકાવવાની માગણી સાથે તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં સરપંચો તથા અગ્રણીઓનું મિનિ સંમેલન કિસાન અગ્રણી ભરતભાઈ સોજીત્રા તથા પ્રવીણભાઈ છોડવડિયાની રાહબરી હેઠળ યોજાયું હતું. આ મીની સંમેલનમાં તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ઉપરાંત તાલાલા, માળિયા, મેંદરડા વિસ્તારના 50 સરપંચો તથા વિવિધ પદાધિકારીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનને સંબોધતા ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈકો સેન્સિટીવ ઝોનનો કાયદો તાલાલા વિસ્તાર ઉપરાંત રાજ્યમાં તથા અન્ય રાજ્યમાં આવ્યો છે. ઈકો ઝોનનો કાયદો રદ કરવો શક્ય નથી પરંતુ કાયદાથી આમ જનતા તથા ખેડૂતોને ઓછું નુકસાન થાય તે માટે સૌને સાથે રાખી પ્રયત્ન કરીશ.

વધુમાં કહ્યું કે સૂચિત ઈકો સેન્સિટીવ ઝોનનો કાયદો આમ જનતા તથા વિસ્તારને ક્યાં ક્યાં અસર કરે છે તેની સંપૂર્ણ વિગત 24 ગામ તથા અસરગ્રસ્ત વિસ્તારના અગ્રણીઓ માતૃભાષામાં તૈયાર કરેલ નક્શા સાથે અવગત થયાં બાદ અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોમાંથી સૂચિત ઈકો સેન્સિટીવ ઝોન કાયદાના જાહેરનામાં સામે સમય મર્યાદામાં ઓનલાઈન વાંધા રજૂ કરવા તમાંમ સરપંચોને અનુરોધ કર્યો હતો.

સરપંચો જણાવ્યું હતું કે સિંહોનું જતન કરવા ઈકો સેન્સિટીવ ઝોન લાવવામાં આવ્યો હોય તો શાં માટે દરરોજ જંગલમાં સિંહ દર્શન માટે 150 જીપ્સી દોડાવો છો. તમારે ખેડૂતોના ભોગે પૈસા કમાવવા છે. વનવિભાગની ખેડૂતો વિરોધી નીતિ સામે સરપંચોએ ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો.

કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા તથા તાલુકા પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયાએ ઉમેર્યું હતું કે તા.8ને મંગળવારે સવારે 10:00 વાગ્યે માર્કેટિંગયાર્ડથી દશ હજાર માણસોની વિશાળ રેલી પ્રસ્થાન થશે. ઈકો ઝોન નાબૂદ કરવાનાં નારા સાથે રેલી મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપી તાલાલા વિસ્તારને ઈકો ઝોન મુક્ત કરવાની માગણી કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક