• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

મંડેરની સીમમાં કપડા ધોવા ગયેલી કાકી-ભત્રીજીના ડૂબી જવાથી મૃત્યુ

માધવપુર હોસ્પિટલ લઇ જવાયા પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા : કોઢિયાવાળના જળપ્લાવિત વિસ્તારમાં બન્યો બનાવ

 

પોરબંદર, તા.11 : પોરબંદર નજીકના મંડેર ગામની કોઢિયાવાળ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા જળપ્લાવિત વિસ્તારમાં કપડા ધોવા ગયા બાદ મહિલા અને તરુણીનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા ભારે અરેરાટી ફેલાઇ છે. બન્નેને સરકારી હોસ્પિટલે માધવપુર ખાતે લઇ જવાયા હતા પરંતુ ફરજ પરના તબીબોએ કાકી-ભત્રીજીને મૃત જાહેર કરતા પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો.  મંડેર ગામે ખડી વાડી વિસ્તારમાં રહેતા ભરત બચુભાઇ બાલસ દ્વારા માધવપુર પોલીસ મથકમાં એવું જાહેર કરવામાં આવ્યુ છે કે તેમના પત્ની ગીતાબેન (ઉં.વ. 29) અને ભત્રીજી  જીજ્ઞાબેન કારાભાઇ બાલસ (ઉં.વ. 14) બન્ને તા. 10-10ના બપોરે પોણા ચાર વાગ્યે મંડેર ગામની ખડીવાડીમાં આવેલા કોઢિયાવાડ વિસ્તારમાં ખેતરના વાયામાં પાણી વહેતુ હોવાથી કપડા ધોવા માટે ગયા હતા અને બંને કોઇપણ કારણોસર પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતા તાત્કાલિક લોકો દોડી ગયા હતા અને ગીતાબેન તથા તેની ભત્રીજી જીજ્ઞાને બહાર  કાઢી હતી તથા વધુ પાણી પી ગયા હોવાથી ઇમરજન્સી સેવા 108 મારફતે તાત્કાલિક માધવપુરના સી.એચ.સી. સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બબ્બે સભ્યોના આ રીતે અચાનક મૃત્યુથી પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક