અમદાવાદ, તા.20: રાજકોટના ટીઆરપી
ગેમ ઝોનમાં લાગેલી આગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો હાથ ધરી છે. ત્યારે રાજકોટ
મ્યુનિસિપલ કોર્પોરેશનના બે પૂર્વ કમિશનરોએ હાઇકોર્ટમાં એફીડેટિવટ ફાઇલ કરીને કબૂલાત
કરી છે. જેમાં અમિત અરોરાએ કોર્ટ સમક્ષ લેખિતમાં કબૂલ્યું છે કે હું જ પરિવાર સાથે
ટીઆરપી ગેમ ઝોનમાં ગયો હતો.
નોંધનીય છે કે અમિત અરોરા 24
જૂન, 2021થી 2 એપ્રિલ, 2023 સુધી રાજકોટ મનપાના કમિશનર પદે રહ્યા હતા. તેઓ હાલમાં કચ્છના
કલેક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. અમિત અરોરાએ તાજેતરમાં જ હાઇકોર્ટમાં દાખલ કરેલી
એફિડેવિટમાં લખ્યું છે કે હું પ્રાર્થના કરીશ કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ધ્યાનમાં રાખીને
મને જે પસ્તાવો અનુભવાય છે એ માનનીય અદાલત સ્વીકારે. કોર્પોરેશનના કમિશનર તરીકેના મારા
કાર્યકાળ દરમિયાન મેં નાગરિકોના હિતમાં મારી ફરજો નિભાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.
એફિડેવીટમાં વધુમાં જણાવ્યું
હતુ કે હું આ માનનીય અદાલત સમક્ષ આદરપૂર્વક રજૂઆત કરું છું કે જો મને ખબર હોત કે ટીઆરપી
ગેમ ઝોન પરવાનગી વિના કામ કરી રહ્યો છે, જે હવે જાહેર થયું છે, તો મેં સંબંધિત માલિકો/ઓપરેટરો
સામે શક્ય એટલી કડક કાર્યવાહી કરી હોત. હું આ કોર્ટને ખાતરી આપું છું કે મ્યુનિસિપલ
કમિશનર તરીકે મેં મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ મારી ફરજો નિભાવી છે.
ઉલ્લેખનીય છે કે અમિત અરોરાની
2 એપ્રિલ, 2023ના રોજ રાજકોટ મનપાના કમિશનર પદેથી બદલી થઈ ગઈ હતી. તેમના સાથે આઇએએસ
અધિકારી આનંદ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. 24 મે, 2023ના રોજ રાજકોટમાં ટીઆરપી
ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે આનંદ પટેલ જ મનપા કમિશનર હતા. આનંદ પટેલે ફાઇલ કરેલી એપીડેવિટમાં
જણાવ્યું હતુ કે દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે હું પસ્તાવો વ્યક્ત કરવા માટે એફિડેવિટ ફાઇલ કરી રહ્યો છું.
વધુમાં જણાવ્યુ હતુ કે આ ઘટનાથી ઊભા થયેલા પ્રશ્નએ મારા પર વ્યક્તિગત રીતે અમાપ બોજ
નાખ્યો છે. હાલમાં એફિડેવિટ દ્વારા વ્યક્ત કરાયેલો પસ્તાવો હું દરરોજ અનુભવું છું.
હું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની લપેટમાં જેમના પ્રિયજનો મૃત્યુ પામ્યાં છે એ
પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. નોંધનીય છે કે આ એફિડેવિટ અગાઉ ફાઇલ
કરવામાં આવી હતી પરંતુ તેની નકલ હવે જોવા મળી છે.