• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

શીત લહેરોથી રાજકોટ અને પોરબંદર થશે ટાઢુંબોળ : કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ

આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી : નલિયા 5.7 અને ગિરનાર પર 6 ડિગ્રી તાપમાન

રાજકોટ, અમદાવાદ તા.19: ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ નોંધાઈ રહી છે. ક્યાંક તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે ને ઠંડી એના જૂના રેકોર્ડ પણ તોડી રહી છે, તો ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત્ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી હતી અને એમાં પણ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું હતું. જેના પગલે આ શહેરો ટાઢાબોળ થઇ શકે છે. આજે 5.7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન પોરબંદરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગતરોજ સૌરાષ્ટ્રના પોરબંદરમાં સામાન્ય લઘુતમ તાપમાન કરતાં 4.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુતમ તાપમાન નોંધાવ્યું હતું તથા પોરબંદરમાં ગત રાત્રિ દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું 10.9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો રાજ્યમાં સૌથી ઓછું 5.7 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન ગત રાત્રિના નલિયામાં નોંધાયું હતું. તેમજ સોરઠમાં છેલ્લા થોડા દિવસથી કડકડતી ઠંડીને કારણે જનજીવન ઠુઠવાઇ ગયું છે. જૂનાગઢમાં તાપમાનનો પારો 11 ડિગ્રી નોંધાયો છે. જ્યારે ભવનાથ અને ગિરનાર પર્વત ઉપર તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.

નોંધનીય છે કે  કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે, જે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે એવો નિર્દેશ આપી રહ્યા છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના ભાગોમાં ઠંડી અને હિમવર્ષાનું પ્રમાણ પણ આ વર્ષે સારી માત્રામાં રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક