અમદાવાદના વકીલ અને બાવા પીપળિયાના
શખસ સામે ગુનો નોંધાયો : એસો.ની ઓફિસમાં કામે નહીં રાખતા ષડયંત્ર રચ્યું
જેતપુર, તા.29 : જેતપુર ડાઇંગ
એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનને પ્રદૂષણ બાબતે હેરાન પરેશાન તેમજ બદનામ કરવા હાઇકોર્ટમાં
પીઆઈએલ કરવાની ધમકી આપી અને સમાધાન માટે રૂ.10 લાખની માગણી કરી અમદાવાદના વકીલ તેમજ
બાવાપીપળિયાના શખસે કાવતરું રચી રૂ.11 લાખ પડાવી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા
ચકચાર મચી જવા પામી છે.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જેતપુર
ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના ફિલ્ટર પ્લાન્ટના ઇજનેર પ્રવીણભાઈ ગોંડલિયાને ગત
તા. 5ના ફોન કરી પોતે હાઇકોર્ટમાં વકીલ છે પોતાનું નામ રજનીકાંત ચૌહાણ છે અને તેમની
પાસે ડાઇંગ એસોસિયેશન પ્રદૂષણ ફેલાવે છે તે બાબતની હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા એક
શખ્સ આવેલો છે. તમારે એસોસિયેશનને ખોટી રીતે હેરાન તેમજ બદનામ ન થવું હોય તો સમાધાન
કરાવી આપું તેમ જણાવ્યું હતું. બાદમાં એસો.ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ વકીલ રજનીકાંત
ચૌહાણને ફોન કરતા રાજકોટ મળવા બોલાવ્યા હતા.જેથી એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ સંજય વેકરીયા
તેમજ ફરિયાદી ચેતનભાઈ જોગી રાજકોટ વકીલને મળતા તેણે પીઆઈએલ થશે તો તમારે વકીલ રાખવો
પડશે તેની ફિ અને ધક્કા ખાવા પડશે તેમ કહી સેટિંગ કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા
પડશે તેમ જણાવેલું.
બાદમાં રકઝકને અંતે રૂ.10 લાખમાં
નક્કી કરી અરજદારનો બોલાવો એમ કહેતા વકીલે બહાર તેની કારમાં બેસેલ શખસને બોલાવેલો જે
બાવાપીપળીયા ગામનો ગાવિંદભાઇ કાનજીભાઈ ધડુક હતો. તેને પીઆઈએલ કરવાનું કારણ પૂછતાં તેને
જણાવેલ કે, તમોએ મને નોકરી પર ન રાખ્યો એટલે તમારા વિરુદ્ધ આ બધું કરું છું પૈસા આપો
છો એટલે જવા દઉં છું નહીંતર તમને દેખાડત કે આમાં શું શું થાય.જેથી તેઓએ રૂ.10 લાખ આપ્યા
હતા. બે ત્રણ દિવસ બાદ વકીલે ફોન કરી ગાવિંદભાઇ હવે મારો ફોન નથી ઉપાડતો મને તો સેટીંગ
કરાવ્યા પેટે કંઈ ન મળ્યું.તમો મને પૈસા આપો નહીંતર હું પીઆઈએલ દાખલ કરીશ. જેથી વકીલને
રૂ.1 લાખ આપેલા. આમ છતાં આ વકીલ હજુ વધુ પૈસા આપવા પડશે તેવી માંગણી ચાલુ રાખી હતી.જેથી
એસોસિએશનના હોદ્દેદારોને વકીલ અને ગાવિંદભાઇએ મળીને પૈસા પડવાનું ષડયંત્ર રચ્યું છે.
જેથી બંને વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં સેક્રેટરી ચેતનભાઈ જોગીએ ફરિયાદ નોંધાવતા
પોલીસે તપાસ હાથ ધરી છે.