• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

અક્ષરધામમાં શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઉંચી પંચધાતુની મૂર્તિની સ્થાપના કરાશે

મહંત સ્વામીના હસ્તે તા.11નવેમ્બરે કરાશે સ્થાપના : મંદિરમાં 10 હજાર વિદાય સાથે તા.8 સુધી ઉજવાશે દીપોત્સવ

અમદાવાદ, તા.31 : ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરમાં એક નવું સોપાન ઉમેરાઈ રહ્યું છે. તા.11 નવેમ્બરે શ્રી નિલકંઠવર્ણી 49 ફૂટ ઉંચી પંચધાતુની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જ્યારે મંદિરમાં પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી નિમિત્તે 10 હજાર દીવડા સાથે દીપોત્સવ ઉજવાઇ રહ્યો છે. મંદિરના પ્રાંગણમાં દીવડાઓ સાથે ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે.

અક્ષરધામ મંદિરમાં તા.11 નવેમ્બરે બફાત સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામીના હસ્તે વૈદિક યજ્ઞવિધિ સાથે શ્રી નિલકંઠવર્ણીની 49 ફૂટ ઉંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભગવાન સ્વામીનારાયણે શ્રી નીલકંઠવર્ણી તરીકે માનસરોવર અને નેપાળના હિમાલયમાં મુક્તિનાથ તીર્થમાં એક પગે ઉભા રહી તપસ્યા કરી હતી. આવનારી પેઢીને તપ, જપ તથા સંયમની પ્રેરણા આપવા માટે ભગવાન સ્વામીનારાયણની કિશોર સ્વરૂપની તપોમૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવશે. જ્યારે પૃથ્વી પર તેઓ 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા. તેની સમૂર્તિમાં મૂર્તિની ઉંચાઇ 49 ફૂટ રાખવામાં આવી છે.

આ ઉપરાંત નીલકંઠ વાટિકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીથી 8 નવેમ્બર સૂધી અક્ષરધામ મંદિરે દીપોત્સવ ઉજવાશે. દરરોજ સાંજે 6 થી 7:45 દરમિયાન નયનરમ્ય દિવડાઓ તેમજ ગ્લો ગાર્ડન નિહાળી શકશે. છેલ્લા 32 વર્ષથી અક્ષરધામ મંદિરે દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સોમવારે પણ મંદિરમાં દર્શન ચાલુ રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક