• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

દ્વારકામાં દિવાળીના તહેવારમાં હોટલ, ગેસ્ટહાઉસ ફૂલ

 

દ્વારકા, તા.30 : ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સર્વત્ર સારો વરસાદ થયો છે ત્યારે આગામી દિવાળીના તહેવારમાં દેશના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મિનિ વેકેશનમાં હોટલ ગેસ્ટહાઉસમાં નવા વર્ષમાં ચિક્કાર બુકિંગ નોંધાયા હોય યાત્રાધામમાં ભાવિકો તથા સહેલાણીઓની વ્યાપક ભીડભાડ જોવા મળશે. રાજ્ય સરકારે શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું હોય આશરે એક પખવાડિયા સુધી યાત્રાધામ દ્વારકા ઉપરાંત નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ. હર્ષદ (ગાંધવી), ગોપી તળાવ વગેરે ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળો પર વ્યાપક ભીડભાડ જોવા મળશે.

આ વર્ષે સુદર્શન સેતુ પણ દર્શનીય સ્થળોમાં શામેલ થયું હોય ત્યારે સહેલાણીઓ અને મુલાકાતીઓ માટે બેટ દ્વારકા યાત્રા વધુ સુગમ બનવા સાથે સુદર્શન સેતુની મુલાકાત લેતાં જોવા મળશે. આ ઉપરાંત શિયાળાની શરૂઆત થઈ રહી હોય ત્યારે શિવરાજપુર બીચમાં સ્કૂબા ડાઈવિંગ, બેટ દ્વારકામાં ડોલ્ફીન વ્યુઈગ વગેરેની પણ સીઝન આવી રહી હોય ત્યારે સમગ્ર ઓખામંડળમાં આગામી પખવાડિયું યાત્રિકો અને સહેલાણીઓની ભીડભાડવાળું રહેનાર હોય સ્થાનીય વેપારીઓમાં પણ સારા વેપારની આશા બંધાઈ છે.

આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેક આસો માસ સુધી વરસાદી સીઝન ઉપરાંત માવઠાઓને લીધે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાની થતા દિવાળીના તહેવારોમાં ચાર દિવસ પહેલા સુધી કોઈ જ રોનક જોવા મળી ન હતી. દિવાળીની સીઝનમાં શહેરી વિસ્તારમાં સારા વેપારની આશારે ઈલેક્ટ્રોનિક્સના વેપારીઓ, મીઠાઈ, ફરસાણ, ફટાકડા તેમજ અન્ય ગૃહ વપરાશની વસ્તુઓ વેચતા વેપારીઓ ગ્રાહકો જ ન આવતા નવરા બેઠા હતા. જો કે, છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો દિવાળી લગતી ખરીદીઓ કરી રહ્યા હોય જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, ભાટિયા, મીઠાપુર, રાવલ, કલ્યાણપુર, ઓખા, સુરજકરાડી સહિતના શહેરી વિસ્તારમાં બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી હોય વેપારીઓ સારા ધંધાની આશા રાખી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક